મોરબીની જીવાદોરી સમાં મચ્છુ-2 ડેમના 33 ગેટ બદલવા માટે સરકારને દરખાસ્ત
ઉનાળા દરમિયાન પીવાના પાણીની તંગી ના સર્જાય તે માટે કવાયત ગત વર્ષે પાંચ દરવાજા બદલવામાં આવ્યા બાદ હવે અન્ય ગેટ માટે આગામી એપ્રિલ-મે મહિનામાં કામગીરી કરવા આયોજન
મોરબી, : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમના ૫ાંચ દરવાજા ગત વર્ષે બદલવામાં આવ્યા હતા અને બાકી રહેલા 33 દરવાજા પણ બદલવાની જરૂરિયાત હોવાથી ડેમ સત્તાવાળાએ સરકારને દરખાસ્ત મોકલી છે. એપ્રિલ અને મે માસમાં ડેમના ગેટ બદલવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ડેમ અધિકારીએ જણાવ્યું હતું.
મોરબી મચ્છુ-2 ડેમના અધિકારી બી. સી. પનારાએ જણાવ્યું હતું કે મચ્છુ-૨ ડેમના ગેટ બદલવાની જરૂરિયાત ઉભી થતા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. ડેમની કુલ સ્ટોરેજ કેપેસીટી ૩૧૦૪ એમસીએફટી છે, જે સમગ્ર મોરબી શહેર અને આસપાસના ગામડાઓમાં પાણી પૂરૂં પાડે છે. ગત વર્ષે ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું અને ૫ાંચ ગેટ ક્રીટીકલ હાલતમાં હોવાથી બદલવામાં આવ્યા હતા અને ઇન્સ્પેકશન દરમીયાન બાકીના ૩૩ ગેટ પણ બદલવાની જરૂરિયાત જણાતા ગેટ બદલવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ડેમના બાકી રહેલ ૩૩ ગેટ બદલવા સલામતીની દ્રષ્ટીએ હિતકારી છે, જેથી આવો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી એપ્રિલ અને મે માસમાં ૩૩ ગેટ બદલવાની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. એપ્રિલ માસમાં ગેટ બદલવામાં આવશે. હાલ જે સ્ટોરેજ છે તે દોઢ મહિનો ચાલશે અને બાદમાં મેં માસના મધ્યથી નર્મદા કેનાલ મારફત પાણીનો સ્ટોક કરી લેવામાં આવશે અને મોરબી શહેર તેમજ આસપાસના ગામડાઓમાં પીવાના પાણીની તંગી ના સર્જાય તેની તકેદારી રાખવામાં આવશે.