સુરતમાં જર્જરિત પનાસ ટેનામેન્ટને રી-ડેવલપમેન્ટ સ્કીમમાં લઈ જવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત
Surat Coroporation : સુરત મહાનગરપાલિકા માટે રાજ્ય સરકારની ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ સ્કીમ મુશ્કેલી બની ગઈ છે. પાલિકાએ ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ માટે કામગીરી કરી છે તેમાં ઝાઝી સફળતા મળી નથી અને માંડ ઈજારદાર મળી રહ્યાં છે. લાંબા સમયથી રી-ડેપવટમેન્ટ માટે ઈજારદાર ન મળતા અસરગ્રસ્ત અને પાલિકા માટે આ સ્કીમ માથાનો દુખાવો બની ગઈ છે ત્યારે વધુ એક જર્જરિત થયેલા પનાસ ટેનામેન્ટ રી-ડેવલોપમેન્ટ માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે.
સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકારે ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ સ્કીમ જાહેર કરી છે, સરકારે આ સ્કીમ જાહેર કરી ત્યારે પાલિકાએ સુરતના 10 જર્જરિત ટેનામેન્ટ શોધીને રીડેવલ્પ કરવા માટે યાદી તૈયાર કરી હતી. પરંતુ રી-ડેવલપમેન્ટ સ્કીમ પાલિકાએ શરુ કરી ત્યારે અનેક મુશ્કેલી આવી હોવાથી આ સ્કીમ પાલિકા માટે માથાનો દુખાવો બની ગઈ છે.
પાલિકાએ આ સ્કીમ હેઠળ કામગીરી શરૂ કરી તેમાં અલથાણ, આંજણા, ડુંભાલમાં રી-ડેવલપમેન્ટની કામગીરી પુરી કરી શકી છે. ત્યારબાદ ગોટાલાવાડી ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટના કોકડું લાંબા સમય સુધી ગુંચવાયેલું રહ્યું હતું. થોડા સમય પહેલાં જ કામગીરી શરુ કરવામાં આવી છે. આ ઉપરાંત હાલ ગત શનિવારે જ માનદરવાજા ટેનામેન્ટ રી-ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં બે દિવસ પહેલા ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે. હવે જર્જરીત થયેલા પનાસ ટેનામેન્ટ પણ રી-ડેવલપમેન્ટ સ્કીમમાં લઇ જવા આયોજન કરાયું હોય, સરકાર સાથે વાટાઘાટો કરીને મંજૂરી મેળવવા અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.