Get The App

સ્મીમેર બોયઝ કેન્ટીનના કોન્ટ્રાક્ટરની બેદરકારી બદલ બ્લેક લિસ્ટ કરવા દરખાસ્ત

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
સ્મીમેર બોયઝ કેન્ટીનના કોન્ટ્રાક્ટરની બેદરકારી બદલ બ્લેક લિસ્ટ કરવા દરખાસ્ત 1 - image


Image: Facebook

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજમાં બોઈઝ હોસ્ટેલ માં ચાલતી કેન્ટીન માં ભોજનની અનિયમિતતા અને ગુણવત્તા સામે અનેક ફરિયાદો  બાદ ઈજારદારને કામગીરી  સુધારવા માટે સુચના આપવામા આવી હતી. જોકે, પાલિકાની આ સૂચનાનું પાલન કરવાના બદલે ઈજારદારે કામગીરીમાં કોઈ સુધારો કર્યો ન હતો. આ ઉપરાંત ભાડુ- લાઈટ બિલ અને પેનલ્ટી સહિતની રકમ ભરવા માટે પણ પાલિકાએ તાકીદ કરી હતી તેનો પણ કોઈ જવાબ ન આવતાં હવે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. 

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેન્ટીન ચલાવવામાં આવે છે. કોલેજમાં બોઈઝ હોસ્ટેલ માં કેન્ટીન માટે અગ્રવાલ રેસ્ટોરન્ટને કામગીરીનો ઈજારો  સોંપવામાં આવ્યો છે. જોકે, લાંબા સમયથી કેન્ટીનમાં મેસમાં ભોજનની અનિયમિતતા અને ગુણવત્તાવાળું ભોજન મળતું ન હોવાની ફરિયાદ થતી હતી.   જેના કારણે તંત્ર દ્વારા ગુણવત્તા સુધારી નિયમિત સમયે વિદ્યાર્થીઓને ભોજન મળી રહે તેવી કામગીરી કરવા માટે સૂચના આપી હતી. જોકે, આ સુચના બાદ પણ ઇજારદારે બેદરકારી દાખવી હતી અને ભોજનની અનિયમિતતા અને ગુણવત્તામાં કોઈ સુધારો કર્યો ન હતો. 

આ ઉપરાંત કોલેજમાં મેસ ( કેન્ટીન ) ચલાનારા ઇજારદારે કેન્ટીન માટેનું ભાડું જમા કરાવ્યું ન હતું અને પેનલ્ટી પણ ભરી ન હતી. આ માટે પણ ઈજારદારને તંત્ર દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી.  આ ઉપરાંત નોટિસ પણ આપવામાં આવી હતી. આટલી કામગીરી બાદ પણ ઈજારદારને શિક્ષાત્મક કાર્યવાહી પહેલા રુબરુ સાંભળવા માટે  ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. પણ કોઈ પ્રત્યુતર નહી આવતાં છેવટે તંત્ર દ્વારા ઈજારદાર અગ્રવાલ કેન્ટીન ને  પાંચ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરી છે તેના પર નિર્ણય કરાશે.


Google NewsGoogle News