અંજારનાં બંધ મકાનમાં ધોળા દિવસે 3.20 લાખની માલમત્તા ચોરાઈ
૨.૭૦ લાખનાં સોના - ચાંદીનાં દાગીના અને ૫૦ હજાર રોકડા અજાણ્યા ઈસમો ચોરી ગયા
ગાંધીધામ: અંજારનાં વોર્ડ નં - ૨માં આવેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી ધોળા દિવસે ૩.૨૦ લાખ રૂપિયાની માલમત્તા ચોરી કરી લઇ ગયા હતા. જેમાં સોના - ચાંદીનાં અલગ અલગ દાગીના અને રોકડા રૂપિયા ચોરી કરી અજાણ્યા શખ્સ નાસી ગયા હતા.
અંજારનાં વોર્ડ નં - ૨ માં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા નંદનભાઈ હિંમતભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, બનાવ ગત ૨૮ જાન્યુઆરીનાં દિવસ દરમિયાન બન્યો હતો. જેમાં ફરિયાદીનો પરિવાર પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં ગયો હતો અને ફરિયાદી પોતાના મકાનનાં દરવાજા સાથે મેઈન ગેટને તાળુંમારી ગાંધીધામ ખાતે આવેલી ગેરેજ પર કામે ગયો હતો. જેનું લાભ લઇ કોઈ અજાણ્યા ઈસમો મકાનનાં દરવાજાનું તાળુંતોડી મકાનમાં અપપ્રવેશ કરી રૂમની તિજોરીનું લોક તોડી તેમાં રાખેલા અલગ અલગ સોના - ચાંદીનાં દાગીના જેની કિંમત રૂ. ૨,૭૦,૪૦૧ અને રોકડા ૫૦ હજાર રૂપિયા સહીત કુલ ૩,૨૦,૪૦૧નો મુદ્દામાલ ચોરી કરી લઇ ગયા હતા. જેથી ફરિયાદીએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.