સીટી સર્વે અને એજન્સીની સુસ્તીને લીધે સુરતની હજારો મિલકતોના પ્રોપર્ટીકાર્ડ બન્યા જ નથી
- જિલ્લા સંકલનમાં મુદ્દો ઉઠાવાતા જિલ્લા કલેકટરે એજન્સીને બ્લેક લિસ્ટ કરવા સીટી સર્વે સુપરિટેન્ડન્ટને આદેશ આપ્યો
સુરત
સીટી સર્વે કચેરીમાં પ્રોપટી કાર્ડની ચાલી રહેલી ઢીલાશભરી કામગીરીના કારણે શહેરની હજ્જારો મિલ્કતોના રેવન્યુ રેકર્ડમાં પુરાવા જ ઉપલબ્ધ ના હોવાથી મિલ્કતદારોને પડી રહેલી તકલીફને લઇને આજની સંકલન બેઠકમાં ધારાસભ્ય દ્વારા પ્રશ્ન ઉઠાવાતા જિલ્લા કલેકટરે એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સરકારમાં ભલામણ કરવા માટે સીટી સર્વે સુપરિટેન્ડન્ટને આદેશ કર્યો હતો. રેશનકાર્ડમાં સ્પેલીંગની ભૂલો અંગે પણ ફરિયાદો ઉઠી હતી.
અઠવાલાઇન્સ જિલ્લા સેવાસદન ખાતે આજે મળેલી સંકલન બેઠકમાં હાજર ધારાસભ્યો દ્વારા અનેક પ્રશ્નો પુછયા હતા. જેમાં ચોર્યાસી ધારાસભ્ય દ્વારા પાલનપુર ગામમાં સીટી સર્વેની કામગીરી મંથરગતિએ થતી હોય ઝડપથી કરવા અંગે રજુઆત કરી હતી. આ પ્રશ્નને લઇને બીજી પણ ફરિયાદો ઉઠી હતી કે એકમાત્ર પાલનુપર ગામમાં જ નહીં શહેરના અન્ય વિસ્તારોમાં પણ મિલ્કતના પ્રોપટી કાર્ડ બનતા જ નથી. જે એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. તે એજન્સીનો એક જ કર્મચારી અહીંયા ફરજ બજાવે છે અને તેના કારણે લાખ્ખો શહેરીજનોની મિલ્કતના પ્રોપટી કાર્ડે બનતા જ નથી.આ રજુઆતના પગલે જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારઘીએ પ્રોપર્ટી કાર્ડની કામગીરી કરનાર એજન્સીને બ્લેક લિસ્ટ કરવા સરકારમાં ભલામણ કરવા માટે સીટી સર્વે સુપરિટેન્ડન્ટને હુકમ કર્યો હતો. આયુષ્યમાન કાર્ડ માં રેશનકાર્ડની વિગતોમાં સ્પેલીંગમાં અનેક ભુલો આવતી હોવાથી અરજદારો દ્વારા વાંરવાર કચેરીએ ધક્કા ખાવા છતા ભુલો સુધરતી જ નથી. અને કાર્ડ સાયલન્ટ થઇ જતા હોવાની ફરિયાદ મળતા જિલ્લા કલેકટરે પુરવઠા અધિકારીને કાર્યવાહી કરવા સુચના આપી હતી.
આ ઉપરાંત બારડોલી પંથકમાં શિષ્યવૃતિ માટે ઇ-કેવાયરીની કામગીરી શાળાઓ દ્વારા મંદ ગતિએ ચાલતી હોવાથી ઝડપથી પૂર્ણ કરવા રજુઆત કરાઇ હતી.