હાપાના જલારામ મંદિરમાં 111 પ્રકારના રોટલાના અન્નકૂટનો કાર્યક્રમ યોજાયો
Jamnagar News : જામનગરના હાપા સ્થિત જલારામ મંદિર ખાતે આજે શુક્રવારે જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા સતત 13મી વખત 111 પ્રકારના રોટલાના અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સાથે ગિનિશ બુકમાં સ્થાન ધરાવનાર વિશ્વવિક્રમી 7X7 ફૂટનો વિશાળ કદનો રોટલો પણ પ્રસાદ રૂપે ધરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, વિક્રમ સંવત 1820ની તારીખ 17 જાન્યુઆરીના માતૃશ્રી વીરબાઈ તેમજ પૂજ્ય જલારામ બાપા દ્વારા શરૂ કરાયેલા અન્નક્ષેત્ર આજે પણ વિશ્વભરમાં અજોડ છે, ત્યારે આજે શુક્રવારે આ અન્નક્ષેત્રના શુભારંભની ઉજવણીના ભાગરૂપે જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ-હાપા દ્વારા સતત 13મી વખત 111 પ્રકારના રોટલાના અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોરના 4 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા દરમિયાન અનેક ભક્તોએ અન્નકૂટના દર્શન કર્યા હતા. આ પછી જલારામ બાપાની મહાઆરતી કરવામાં આવી હતી.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા ભક્તો દ્વારા પોતાના ઘરે મહાપ્રસાદ માટે રોટલા તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ રોટલાને અન્નકૂટના દર્શનાર્થે પૂજ્ય જલારામબાપા સમક્ષ ધરવામાં આવ્યા હતા. છેલ્લે તમામ રોટલાની પ્રસાદીને લોકોમાં વિતરણ કરવામાં આવી હતી.