એમ.એસ. યુનિવર્સિટીના હિન્દી વિભાગના પ્રોફેસરની ધરપકડ, બિભત્સ હરકતો કરતો હોવાના આરોપ
Vadodara News: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના હિન્દી વિભાગના પ્રોફેસર સામે બિભત્સ હરકતો કરવી તેમજ કારકિર્દી ખતમ કરવાની ધમકીઓને લઈને વિદ્યાર્થિનીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સયાજીગંજ પોલીસે શનિવારે (11મી જાન્યુઆરી) રાત્રે જ પ્રોફેસરની ધરપકડ કરી હતી. પ્રોફેસર પોલીસ સમક્ષ એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે, ‘મેં આવું કશું કર્યું નથી.’
શું છે સમગ્ર મામલો?
સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં લઘુમતી કોમની એક વિદ્યાર્થિનીએ એમ.એસ. યુનિવર્સિટીના હિન્દી વિભાગના પ્રોફેસર મોહંમદ અઝહરભાઇ ઢેરીવાલા સામે શનિવારે સાંજે ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 'પ્રોફેસર મારી પાસે આવીને રૂમમાં લઇ જવા માટે વારંવાર હાથના ઇશારા કરતા હતા. પરંતુ હું ના પાડતી હતી. જેથી, પ્રોફેસરે મારી કારકિર્દી ખતમ કરવાની ધમકી આપી હતી. મારા ઘર સુધી પીછો કરી મારા વિશે ખોટી વાતો કરી બદનામ કરવાની પ્રયત્નો કર્યા હતા. તે વારંવાર મને વોટ્સએપ પર મેસેજ કરીને મને હેરાન કરતા હતા. એટલું જ નહીં, મને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરતા હતા.’