જામનગરના બાજરા સંશોધન કેન્દ્રના પ્રોફેસરે શેરબજારમાં વધુ વળતરની લાલચમાં રૂપિયા 50 લાખ ગુમાવ્યા
જામનગરના બાજરા સંશોધન કેન્દ્રના નિવૃત્ત પ્રોફેસર શેર બજારમાં રોકાણા બહાને ચીટર ટોળકી નો શિકાર બન્યા છે. જેઓએ પોતાની તેમજ પોતાના પત્નીની રૂપિયા 50 લાખની રકમ ગુમાવ્યા ની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવાઇ છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસ ટીમ એક મહિલા સહિતના આરોપીઓને શોધી રહી છે. શેરબજારમાં ઊંચું વળતર આપવાના બહાને રોકડા તેમજ નેટબેન્કિંગ મારફતે પૈસા મેળવી લઈ આરોપીઓ છુ મંતર થયા છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક કિંગ પેલેસમાં રહેતા અને બાજરા સંશોધન કેન્દ્રના નિવૃત્ત પ્રોફેસર શામજીભાઈ ડાયાભાઈ અટારા (ઉંમર વર્ષ 72) કે જેઓ ઓનલાઈન શેર બ્રોકિંગ ના બહાને ચિટર ટોળકીનો શિકાર બન્યા છે, અને તેઓએ શેર બજારમાં રોકાણના બહાને 50 લાખ જેવી માતબર રકમ ગુમાવી હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે.
ફરિયાદી શામજીભાઈ અટારા કે જેઓને મોબાઈલ ફોન મારફતે સૌપ્રથમ શ્વેતા મેડમ નામની એક મહિલાનો ટેલિફોનિક સંપર્ક થયો હતો, અને શેરબજારમાં રોકાણના બહાને તેઓનો પ્રથમ 10,000 રૂપિયાથી ખાતું ખોલાવ્યું હતું, અને ત્યારબાદ સિનિયર સિટીઝન માટેની ૨૫ ટકા વધુ પ્રોફિટ ની સ્કીમ છે, જેમાં કટકે કટકે રૂપિયા મંગાવે રાખ્યા હતા.
આખરે શામજીભાઈએ પોતાના તેમજ પોતાના પત્ની ના શેર બજારના ડિમેટ એકાઉન્ટ ના આધારે શ્વેતા મેડમ તેમજ તેના ઓફિસર અંકિતભાઈ તથા બંટી શર્મા કે જેઓને અમુક રકમ રોકડા જ્યારે બાકીની રકમ નેટ બેંકિંગ મારફતે ટ્રાન્સફર કરાવીને આપી હતી. જે મળી કુલ 50,13,328ની રકમ ઉપાડી તમામ આરોપીઓ પોતાના મોબાઈલ ફોન બંધ કરીને ગુમ થઈ ગયા છે.
આખરે આ મામલો સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસ ત્રણેય આરોપીઓને શોધી રહી છે.