કુંડલિયા કોલેજના પ્રો.જાની સસ્પેન્ડ સૌરાષ્ટ્ર યુનિ.એ ગાઈડશિપ રદ્દ કરી

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
કુંડલિયા કોલેજના પ્રો.જાની સસ્પેન્ડ સૌરાષ્ટ્ર યુનિ.એ ગાઈડશિપ રદ્દ કરી 1 - image


પીએચ.ડી.ની વિદ્યાર્થિનીનાં કથિત યૌનશોષણ પ્રકરણમાં : વિદ્યાર્થી કાર્યકરો દ્વારા જવાબદાર અધ્યાપકની બરફતરફ કરવા માંગ સાથે કોલેજમાં દેખાવો; રાજ્યનાં શિક્ષણ વિભાગને કરાતો રિપોર્ટ

રાજકોટ, : અહીંની એમ. જે. કુંડલીયા કોલેજના અધ્યાપક પ્રો.જ્યોતિન્દ્ર જાની સામેના કથિત યૌનશોષણ પ્રકરણમાં આજે તેઓને કોલેજની સંચાલક સમિતિ દ્વારા ફરજ મોકુફ કરવામાં આવ્યા હતા. તેમજ સૌરાષ્ટ્ર યુનિ.એ તેની પી.એચડી.ની ગાઈડશીપ રદ કરી તેની પાસે જે અન્ય વિદ્યાર્થીઓ પીએચ.ડી. કરી રહ્યા હતા તે અન્ય અધ્યાપકોને ફાળવવાની કામગીરી હાથ ધરી હતી. આજે વિદ્યાર્થી કાર્યકરોએ કુંડલીયા કોલેજમાં જવાબદાર અધ્યાપકને બરતરફ કરવાની માગણી સાથે ઉગ્ર રજૂઆત કરી હતી.

રાજકોટમાં પીએચ.ડી.ની વિદ્યાર્થિની પાસે અઘટીત માગણી કરનારા અધ્યાપકો સામે અગાઉ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા છે. દરમિયાન ગત સપ્તાહમાં અહીંની એમ. જે. કુંડલીયા કોલેજના કોમર્સના અધ્યાપક પ્રો.જ્યોતિન્દ્ર જાની સામે પીએચ.ડી.ની વિદ્યાર્થિનીએ યૌનશોષણની ફરીયાદ કરી હતી તે સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિ.ની તપાસ સમિતિએ કોલેજને જે રીપોર્ટ કર્યો હતો તેના આધારે આજરોજ કુંડલીયા કોલેજમાં ટ્રસ્ટીઓની બેઠક મળી હતી. જેમાં યુનિ.ના તપાસ રીપોર્ટના આધારે પ્રો.જ્યોતિન્દ્ર જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવી આ અંગે સૌરાષ્ટ્ર યુનિ. અને રાજ્યનાં શિક્ષણ વિભાગને જાણ કરી દેવામાં આવી હોવાનું જણાવાયું હતું.

દરમિયાન આજે સૌરાષ્ટ્ર યુનિ.માં પણ પ્રો.જ્યોતિન્દ્ર જાનીને અધ્યાપક તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વિગત મળતા તુરંત જ તેઓની પીએચ.ડી.ની ગાઈડશીપ રદ કરી વિદ્યાર્થીઓ અન્ય ગાઈડને ફાળવી દેવાનો આદેશ કરવામાં આવ્યો હોવાનું યુનિ.નાં રજીસ્ટ્રાર હરીશ રૂપારેલીયાએ જણાવ્યુ હતું.  વધુમાં આજે વિદ્યાર્થી કાર્યકરોએ કુંડલીયા કોલેજનાં જવાબદાર અધિકારીને ફરજમાંથી ડિસમીસ કરવાની માગ સાથે કોલેજે જઈ ઉગ્ર રજૂઆતો કરી દેખાવો યોજવામાં આવ્યા હતા. જેના કારણે કોલેજ કેમ્પસમાં ઉગ્ર વાતાવરણ જોવા મળ્યું હતું.


Google NewsGoogle News