Get The App

વડોદરા પાલિકાના ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસરની કેટલાય વખતથી ખાલી જગ્યા ભરવાની કાર્યવાહી શરૂ

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
વડોદરા પાલિકાના ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસરની કેટલાય વખતથી ખાલી જગ્યા ભરવાની કાર્યવાહી શરૂ 1 - image


Vadodara Fire Brigade : વડોદરા પાલિકાના ફાયર બ્રિગેડમાં છેલ્લા કેટલાય વખતથી ચીફ ફાયર ઓફિસરની જગ્યા હંગામી ધોરણે ચાલતી હતી. હંગામી વિવાદિત ચીફ ફાયર ઓફિસર આરોપી પાર્થ બ્રહ્મભટ્ટએ ખાતાના સૈનિકને નશાની હાલતમાં ઢોર માર માર્યા બાદ ભૂગર્ભમાં ઊતરી જવાની ઘટના બાદ છેલ્લા કેટલાય વખતથી હંગામી ધોરણે ચાલતી ચીફ ફાયર ઓફિસરની જગ્યાએ પાલિકા દ્વારા કાયમી ચીફ ફાયર ઓફિસરની ભરતી અંગે પ્રક્રિયા શરૂ કરી છે. પાલિકા દ્વારા આ  જગ્યાએ કાયમી ચીફ ફાયર ઓફિસરની નિમણુક અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા પાલિકાના ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા છેલ્લા કેટલાય વખતથી ખાલી પડી હતી. હંગામી ધોરણે ચાલતી આ જગ્યાએ કાર્યકારી ચીફ ફાયર ઓફિસર તરીકે પાર્થ બ્રહ્મભટ્ટની નિમણૂક કરાઈ હતી. વારંવાર વિવાદોમાં રહેતા પાર્થ બ્રહ્મભટ્ટએ નશામાં ધૂત થઈને સાથી સૈનિક જવાનને મૂઢ માર્યો હોવાની ફરિયાદ રાવપુરા પોલીસ મથકે નોંધાઇ છે. ત્યારબાદ સતત નોકરી પર ગેરહાજર રહેતા અને ભૂગર્ભમાં ઉતરી ગયેલા આરોપી પાર્થ બ્રહ્મભટ્ટએ અદાલતમાંથી આગોતરા જામીન પણ માગ્યા હતા. આ ઉપરાંત ફાયર બ્રિગેડમાં બોગસ સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી હોવાની બાબતે પાલિકા વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે. સતત વિવાદોમાં રહેતા પાર્થ બ્રહ્મભટ્ટ સામે હવે કહેવાય છે કે નોકરીનું પણ જોખમ ઊભું થયું છે. જ્યારે બીજી બાજુ રાજ્યના તમામ મોટા શહેરોમાં ચીફ ફાયર ઓફિસરની ખાલી જગ્યા તાત્કાલિક ધોરણે ભરવા સરકારે જણાવ્યું હતું. પરિણામે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ચીફ ફાયર ઓફિસરની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ અંગે  અરજીઓ પણ મંગાવવામાં આવી હતી. જેના અનુસંધાનમાં અરજદારો કરેલી અરજી અંગે ડોક્યુમેન્ટ વેરીફીકેશન આગામી તા.14 નવેમ્બરે સવારે 11 વાગ્યાના સુમારે ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરાશે. જ્યારે કોલલેટર પાલિકાની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે તેમ વહીવટી વિભાગના ડે.મ્યુ. કમિશનરે જણાવ્યું છે.


Google NewsGoogle News