બૂટલેગરો સામે ગુજસીટોક હેઠળ કેસ દાખલ કરવાની કાર્યવાહી
વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસને ૮ ટીમ બનાવી : સીસીટીવી ફૂટેજ મેળવતી પોલીસ
વડોદરા,વારસિયાના નામચીન બૂટલેગરો વચ્ચે થયેલી ગેંગવોરમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ફતેગંજ પોલીસે પાંચ, ડીસીબીએ બે તથા પીસીબીએ એક ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાના પુરાવાઓ એકત્રિત કરવા માટે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
વારસીયાની સંતકંવર કોલોનીમાં રહેતા ૨૨ વર્ષીય હેરી લુધવાણીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,તા.૧૭મીએ રાતે હું મારા મિત્ર વિવેક કેવલાની અને કૃણાલ સોલંકી સાથે જતો હતો. ત્યારે ફતેગંજ બ્રિજ પર અમારો પીછો કરતી ઇકો સ્પોર્ટ્સ કારે અમને આંતર્યા હતા.કારમાંથી અલ્પુ પાઇપ સાથે અને મુકેશ ઉર્ફે ચપટ દંડો લઇ ઉતર્યા હતા.તેઓએ મારા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે પોલીસે (૧) અલ્પેશ ઉર્ફે અલ્પુ વાઘવાણી (વારસીયા) (૨) મુકેશ ઉર્ફે ચપટ ગોસ્વામી (વારસીયા)(૩) રવિ વિમલદાસ દેવજાણી (દાઝીનગર,વારસીયા) અને (૪) રાજુ સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે સિટિ પોલીસ સ્ટેશનમાં રવિ દેવજાનીએ હિમાંશુ ઉર્ફે હેરી, કુણાલ સોલંકી,વિવેક કેવલરામન તથા અનિલ ઉર્ફે બોબડો બુધવાણી સામે તલવારથી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ બંને કેસમાં સંડોવાયેલા આરોપીઓના ગુનાઇત ભૂતકાળની વિગતો પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે. અમલમાં આવેલા નવા ગુજસીટોકના કાયદા હેઠળ તેઓની સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી થઇ રહી હોવાની વિગતો પણ મળી રહી છે. જેના પગલે આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
બૂટલેગરોની ગેરકાયદે મિલકતની તપાસ કરતી પોલીસ
વડોદરા,જાહેરમાં મારામારી કરી આતંક ફેલાવતા બૂટલેગરો અને તેના સાગરીતોની ગેરકાયદે મિલકતોની વિગતો પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવી રહી હોવાનું પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું છે. અનધિકૃત દબાણો આરોપીઓ દ્વારા ઉભા કરવામાં આવ્યા હશે તો ડિમોલીશનની પણ કામગીરી કરવામાં આવશે.