For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોદીજીની ઉંમર વર્તાય છે, અંકલજી કી મત સુનના, લોકશાહી બચાવાની છે : પ્રિયંકા ગાંધી

Updated: Apr 27th, 2024

મોદીજીની ઉંમર વર્તાય છે, અંકલજી કી મત સુનના, લોકશાહી બચાવાની છે : પ્રિયંકા ગાંધી

Lok Sabha Elections 2024: દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને દરેક પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે ગુજરાતમાં સાતમી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેને લઈને કોંગ્રેસના મહાસચિવ અને સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ આજે (27મી એપ્રિલ) વલસાડ લોકસભા બેઠકથી ધરમપુરના દરબાર ગઢ કમ્પાઉન્ડમાં જાહેર સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે અંકલજી કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. 

'ભીષણ ગરમીમાં તમે આવ્યા છો...' : પ્રિયંકા ગાંધીના ભાષણમાં ઈન્દિરા ગાંધીના દર્શન, શ્રોતાઓને જકડી રાખ્યા 

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીમાં આજે દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના દર્શન થયા હતા. ભાવુક અને લાગણીસભર સંબોધનમાં તેમણે 56 મિનિટ સુધી શ્રોતાઓને જકડી રાખ્યા હતા. ધરમપુરની જાહેર સભામાં સંબોધન શરૂ થતાં જ તેમણે કહ્યું કે, 'આજે ખૂબ ગરમી છે છતાં તમે બધા આવ્યા છો તે બદલ આભાર.' સાથે જ તેમણે 'જય જોહાર'નો ઉદઘોષ પણ કરાવ્યો હતો.

'ઘરમાં ઘૂસીને ઘરેણાં લઈ જશે... મોદીજી શું વાહિયાત કરો છો? ઉંમર વર્તાય છે'

પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'દરેક જગ્યાએ એક અંકલજી હોય છે. જે દરબાર લગાવીને દરેકને જ્ઞાન આપતા રહે છે. અંકલજી કહે છે કે, સાવધાન રહો, જો કોંગ્રેસની સરકાર આવશે તો તે તમારા ઘરેણાં અને મંગળસૂત્ર તમારા ઘરમાં ઘૂસીને... ચોરીને બીજાને આપી દેશે. તો આ બધું સાંભળીને તમે શું કર્યું હશે... હસવું જ આવ્યું હશે ને! શું અર્થહીન વાત કરી રહ્યા છે અંકલ. આજે દેશના વડાપ્રધાન તેમના પદની ગંભીરતાના આધારે તમારી સામે આવી અર્થહીન વાતો કરી રહ્યા છે. શું આવું સત્ય હોય શકે કે કોઈ તમારા ઘરમાંથી તમારું મંગળસૂત્ર ચોરીને બીજાને આપી શકે. અંકલજીની વાત ન માનતા. તેઓ વિચારે છે કે વડાપ્રધાન છે તો જનતા તેમની અર્થહીન વાતોને સાચી માની લેશે. મોદીજી શું વાહિયાત વાત કરો છો... ઉંમર વર્તાય છે.'

'ઉદ્યોગપતિ મિત્રોના 16 લાખ કરોડ માફ પણ ખેડૂતોના 15 હજાર કરોડ માફ નથી થતાં'

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આજે ખેડૂતોને જુઓ આંદોલન કરે છે. 'શિયાળામાં લાખો ખેડૂતો દિલ્હી આવીને બેસે છે. આજે ખેડૂતો તમામ સમાન પર ટેક્સ આપે છે. કમાણી જ નથી થઈ રહી. મોદીજીએ ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ કરી દીધા. ખેડૂતો માટે એક રૂપિયો માફ નથી કર્યો. ઉદ્યોગપતિઓએ આગળ વધવું જોઈએ પરંતુ દેશની સંપત્તિ પાંચ-છ ઉદ્યોગપતિઓને આપી દીધી છે. ખેડૂતોના 15 હજાર કરોડ શેરડીના બાકીની ચૂકવણી નથી થઈ. સરકારે 20 હજાર કરોડ રૂપિયા નવી સંસદ બનાવવામાં લગાવી દીધા છે.' 

'બધી વસ્તુ મોંઘી કરી નાખી, સુપરમેન નથી મેહંગાઈ મેન છે'

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'તમારા વિસ્તારમાં કોન્ટ્રાક્ટ પર નોકરી વધુ છે. રોજગાર અપાવવાનું કામ કોઈએ કર્યું નથી. કોંગ્રેસ સરકારમાં દરરોજ રોજગાર બનાવવામાં આવે. કોંગ્રેસના રાજમાં સરકાર રોજગાર મળતા હતા. કોંગ્રેસના સમયમાં પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રીઝ બની અને સફળ થઈ. કોંગ્રેસનો આખો પ્રોગ્રામ છે. હાલ કરમતોડ મોંઘવારી છે. આજે પેટ્રોલ 100, ડિઝલ 90, 73 હજાર રૂપિયે સોનું અને ગેસ સિલિન્ડરનું પૂછોમાં. પહેલા 1200 રૂપિયામાં આપતા હતા. પરંતુ ચૂંટણી આવતા જ તેના ભાવ 400 કરી નાખ્યા. ચૂંટણી સમયે જ તેમને દયા આવે છે. તેઓ (પીએમ મોદી) આવતા હતા તો તમને એવું બતાવવામાં આવતું કે સુપરમેન આવી રહ્યા છે. તમામ સત્તા એમની પાસે. એકલા એકલા સ્ટેજ પર સુપરમેન તરીકે આવે. પરંતુ તમને મેહંગાઈ મેન મળી ગયા છે, તેઓ સુપરમેન નથી.

'જો આટલી જ તાકાત હોય તો ચપટીમાં મોદીજીએ આવું કેમ ન કર્યુ?'

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'ભાજપના નેતાઓ કહે છે કે વડાપ્રધાન તરફ આખી દુનિયા જુએ છે. ચપટી વગાડતા જ તેઓ યુદ્ધ બંધ કરાવી શકે છે. જો તેમનામાં (પીએમ મોદી) તાકાત હોય તો ચપટી મારીને બેરોજગારી, મોંઘવારી બંધ કેમ ન કરી.'

'દેશના પહેલા વડાપ્રધાન હશે જે જનતાની સામે જૂઠું બોલે છે'

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'મેં દેશના ઘણા વડાપ્રધાન જોયા છે. ઈન્દિરાજી દેશ માટે શહીદ થયા. રાજીવજી દેશ માટે શહીદ થયા. મનમોહન સિંહે આ દેશમાં ક્રાંતિ લાવી. વિપક્ષમાં અટલ બિહારી વાજપેયીજી પણ હતા, જે એક શિષ્ટ વ્યક્તિ હતા. પરંતુ હું નિશ્ચિતપણે કહી શકું છું કે તેઓ દેશના પહેલા વડાપ્રધાન હશે જે જનતાની સામે જૂઠું બોલે છે.'


પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહાર

ધરમપુરમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, એક તીર એક કમાન, આદિવાસીઓ એક સમાન. આદિવાસીઓની જ્યાં વધારે સંખ્યા છે એને અમે અનુસુચિત ક્ષેત્ર જાહેર કરીશું, જેથી તમને વધારે લાભ મળી શકે. તમે બધા જોઈ રહ્યા છો, તમારી જોડે અન્યાય થઇ રહ્યો છે, એટલે રાહુલજીએ ન્યાય યાત્રા શરૂ કરી' તેમણે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, 'સરકારે મોટા મોટા દાવા કર્યા પણ કઈ થયું નહીં. 10 વર્ષમાં સરકારે દલિતો કે આદિવાસી કે સામાન્ય જનતાને મજબુત કરવા માટે કોઈ કામ કર્યું નથી. ભાજપ સરકારના કામ ટીવી પર દેખાઇ રહ્યા છે, એવું કઈ રિયલમાં થયું નથી.'

વધુમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકારમાં તમારી સ્થિતિ સુધરવાના બદલે વધારે બગડી છે અને જો હજી પણ આ સરકાર આવશે તો તમારો વિકાસ નહીં થાય. અમારી સરકાર આવશે, ત્યારે તમને એટલી મદદ મળશે કે આવનાર થોડા જ સમયમાં તમે ખુદના પગ પર ઊભા થઈ શકશો. એમ ખાલી વાયદો નથી કરતા, રાજસ્થાનમાં અમારી સરકાર હતી તો અમે કરી બતાવ્યું છે.'

Gujarat