ખાનગી કંપનીનો કર્મચારીનું ડૂબી જવાથી મોત : કર્મચારીઓનો હોબાળો, વળતરની માગ
Vadodara : વડોદરા છાણી વિસ્તારની નર્મદા કેનાલ પર ખાનગી કંપનીનો કર્મચારી કામ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે પાણીમાં પડી જવાથી ડૂબી ગયો હતો તેને કારણે તેનું મોત નીપજ્યું હતું. બાદ કંપનીના સંચાલકો પરિવારજનોને આશ્વાસન આપવા પણ નહીં આવતા હોબાળો મચી જવા પામ્યો હતો. મૃતકના પિતાએ મૃતદેહ લેવા માટે નન્નો ભણ્યો હતો. અને મોટા વળતરની માગ કરી હતી.
મળતી માહિતી અનુસાર છાણી વિસ્તારમાં મેઘા એન્જિનિયરિંગ કંપની આવેલી છે. તેમાં છેલ્લા કેટલાક વખતથી હેલ્પર તરીકે મૂળશંકર નામનો યુવક કામ કરતો હતો. મૂડી શંકર સવારે છાણી કેનાલ પર કંપનીનું કામ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે તેનો પગ લપસી જવાથી ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. તેને કારણે તેનું મોત નીપજ્યું હતું. તેની જાણ પરિવારજનોને થતા આભ તૂટી પડ્યું હતું. પરિવારજનોએ કંપનીના સંચાલકોને મળવા માટે માગણી કરી હતી પરંતુ કોઈ ફરકયુ ન હતું. તેને કારણે આક્રોશ ફેલાયો હતો.
મૂળશંકરના પિતાએ માહિતી આપી હતી કે મૂળશંકરના માતા નથી, દીકરો 17 વર્ષનો છે હવે મા અને દીકરો નોંધારા બન્યા છે. ત્યારે કંપની દ્વારા મોટું વળતર આપવામાં નહીં આવે તો અમે મૃતદેહ લઈ જશુ નહીં તેવી ધમકી ઉચ્ચારી હતી. આ લખાય છે ત્યાં સુધીમાં બપોરે 12 વાગ્યે મામલો ઉકેલાયો ન હતો. છાણી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.