વડોદરાના નિવૃત્ત અધિકારીના પુત્રની હનીટ્રેપ કરી 12 કરોડ પડાવવાનાે કારસો રચનાર પ્રીતિસિંહ મુંબઇથી ફરાર
વડોદરાના નિવૃત્ત ફેક્ટરી ઇન્સ્પેક્ટરના પુત્રની હની ટ્રેપ કરી રૃ.૧૨ કરોડનો કારસો રચનાર ગેંગ સાથે સંકળાયેલી પ્રીતિસિંહ ફરાર થઇ જતાં વડોદરા પોલીસે મુંબઇ પોલીસની મદદ લીધી છે.
ગોત્રી વિસ્તારમાં રહેતા રજનીકાન્ત પરમારે તેમના પુત્ર નિખિલને પાંચ રાજ્યોની પોલીસ શોધવા આવી છે તેમ કહી નવી મુંબઇના ફ્લેટમાં ગોંધી રાખી ૧૨ કરોડની માંગણી કરનાર નિખિલના મિત્ર કપિલ રાજપૂત અને મધુમીતા પોતદાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ગોત્રી પોલીસે કપિલ વતી વડોદરામાં રૃ.દોઢ કરોડ લઇ જનાર ગિરિશ ભોલેને ઝડપી પાડયા બાદ કપિલ અને મધુમીતાને પણ દબોચી લીધા હતા,તેમજ નિખિલની કારમાંથી રૃ.૧.૦૧ કરોડ કબજે લઇ ત્રણેયને રિમાન્ડ પર લીધા હતા.
સમગ્ર પ્રકરણમાં નિખિલની એક્સ ગર્લ ફ્રેન્ડ પ્રીતિસિંહે મુખ્ય ભૂમિકા ભજવી હોવાની વિગતો બહાર આવતાં પોલીસ તેને શોધી રહી છે.પ્રીતિસિંહને શોધવા માટે મુંબઇ પહોંચી હતી.પરંતુ પ્રીતિ ફરાર થઇ ગઇ હોવાનું અને તેને ઘેર પણ કોઇ મળી આવ્યું નથી.આ ઉપરાંત તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ છે.જેથી વડોદરા પોલીસે પ્રીતિસિંહને પકડવા માટે મુંબઇની મદદ માંગી છે.
પોલીસ સમયસર પહોંચી ના હોત તો નિખિલનો જીવ જોખમમાં મુકાયો હોત
વડોદરા પોલીસે સમયસર અને સફળ રીતે ઓપરેશન પાર પાડયું ના હોત તો કદાચ નિખિલનો જીવ જોખમમાં મુકાઇ ગયો હોત. ગોત્રી પોલીસના મહિલા પીઆઇ ટીએ દેસાઇ એ કહ્યું હતું કે,અમારે માટે નિખિલને બચાવવો મહત્વનું હતું.જેમાં મુંબઇ પોલીસની સાથે સફળતા પૂર્વક ઓપરેશન પાર પડતાં નિખિલ બચી ગયો હતો.પૂછપરછ દરમિયાન નિખિલના પિતાએ કહ્યું હતું કે,કપિલ તેને છરી બતાવીને ધમકાવતો હોવાથી ગભરાઇ ગયો હતો.નિખિલનો જીવ બચી ગયો તે અમારે માટે મહત્વનું છે.