યુનિ.સત્તાધીશોએ ૫૦૦૦ જેટલા કેલેન્ડરોનું પ્રિન્ટિંગ અટકાવી દીધું
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સટીના વાઈસ ચાન્સેલર પદેથી ડો.વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યા બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ ૨૦૨૫ના વર્ષના કેલેન્ડરોનું પ્રિન્ટિંગ અટકાવી દીધું છે.
ડો.શ્રીવાસ્તવ વાઈસ ચાન્સેલર હતા ત્યારે કેલેન્ડરની ડિઝાઈન નક્કી કરીને યુનિવર્સિટી પ્રેસને દર વર્ષની જેમ મોકલી આપવામાં આવી હતી.ગત વર્ષે પણ ડો.શ્રીવાસ્તવના કારણે યુનિવર્સિટીનું કેલેન્ડર વિવાદમાં આવ્યું હતું.કારણકે બીજા વાઈસ ચાન્સેલરોથી વિપરિત ડો.શ્રીવાસ્તવના આ કેલેન્ડરમાં દરેક પાન પર ફોટોગ્રાફ હતા.
એવુ મનાય છે કે, ૨૦૨૫ના વર્ષમાં પણ કેલેન્ડરમાં વાઈસ ચાન્સેલરના ફોટોગ્રાફ પ્રસિધ્ધ થવાના હતા.જોકે આ કેલેન્ડરો છાપવાનું શરુ કરવામાં આવે તે પહેલા જ હાઈકોર્ટે શૈક્ષણિક લાયકાતના મુદ્દે આંખા આડા કાન કર્યા બાદ ડો.શ્રીવાસ્તવે વાઈસ ચાન્સેલર પદેથી રાજીનામુ આપી દીધું હતુ ં.હવે જો તેમના ફોટો અને નામ સાથે કેલેન્ડર પ્રસિધ્ધ થાય તો આ કેલેન્ડર નકામા થઈ જાય અને યુનિવર્સિટીની ફજેતી થાય તે અલગ.
જાણવા મળતી વિગતો અનુસાર યુનિવર્સિટી સત્તાધીશોએ કેલેન્ડરોનું પ્રિન્ટિંગ અટકાવી દીધું છે.લગભગ ૫૦૦૦ કેલેન્ડર છપાવાના હતા.તેની જગ્યાએ અત્યારે એક પણ કેલેન્ડર છપાયું નથી.આમ યુનિવર્સિટીના નવા વર્ષના કેલેન્ડર અને સંભવતઃ ડાયરીના પ્રિન્ટિંગમાં પણ મોડું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.સૂત્રોનું કહેવુ છે કે, કેલેન્ડર હવે નવી ડિઝાઈન સાથે છાપવામાં આવશે.અગાઉની જેમ જ કોઈ પણ જાતના ફોટોગ્રાફ વગરના કેલેન્ડર છાપવામાં આવશે.