ગુજરાતમાં માત્ર રાજકોટમાં જ થતું નામ - અવટંકના ગેઝેટનું મુદ્રણ બંધ
- હવે ફકત ડિજિટલ સ્વરૂપે (ઇ-ગેઝેટ) જ મૂકાતું રહેશે
- જન્મ તારીખ કે નામ - અવટંકમાં ફેરબદલની દર મહિને 4થી 5,000 હજાર અરજીઓ
હજારો નકલનો થતો મુદ્રણ ખર્ચ : આ માટેની વેબસાઇટ egazatte.gov.in નું લોન્ચિંગ થઇ ચુક્યું છે
રાજકોટ, : પાંચ - છ દાયકા પહેલાં રાજકોટમાં ગવર્મેન્ટ પ્રેસ શરૂ થયો ત્યારથી નામ - અવટંક કે જન્મ તારીખમાં ફેરબદલ અંગેના ગેઝેટ ગુજરાતભરમાં માત્ર રાજકોટ ખાતે જ છપાતા આવ્યા છે. પરંતુ હવે અહીં પણ આ ગેઝેટનું મુદ્રણ સદંતર અટકાવી દેવામાં આવ્યું છે. અલબત્ત, વિગતો સુધારવાની બાકી તમામ ઔપચારિકતાઓ તો ચાલુ જ રહેશે, પણ અરજદારને પ્રિન્ટેડ કોપી નહીં મળે, કેમ કે હવે ડિજિટલ સ્વરૂપ મૂકાતી થશે.
તાજેતરમાં આ માટેની વેબસાઇટ egazatte.gov.in નું લોન્ચિંગ થઇ ચુક્યું છે, જેને પગલે સરકારી મુદ્રાણાલય અને લેખન સામગ્રી વિભાગ - રાજકોટ દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું છે કે નામ - અવટંક તેમજ જન્મ તારીખ પ્રસિધ્ધ કરી આપતા ગેઝેટનું મુદ્રણ બંધ કરીને હવે (ઉપરોકત) વેબસાઇટ પર ડિજિટલ સ્વરૂપે મુકવામાં આવે છે. આ માટે અરજદારે રૂા. ૨૦૦ રજિસ્ટ્રેશન ફી આપવાની રહે છે. ગેઝેટની પ્રસિધ્ધિની માહિતી અરજદારોને એસ.એમ.એસ.થી અપાતી હોવાથી ફોર્મમાં મોબાઇલ નંબર દર્શાવવો જરૂરી છે.
રાજકોટના ગવર્મેન્ટ પ્રેસના મેનેજર પી.જી. શાહે જણાવ્યું કે, દર મહિને ૪થી ૫ હજાર અરજીઓ આવતી હોય અને દર ગુરૂવારે પ્રસિધ્ધ થતા ગેઝેટની સરેરાશ એક હજાર નકલ છપાતી આવી હતી. હાલ તો પેમેન્ટ અને ફોર્મ ફિઝિકલી જ સ્વીકારાશે. પરંતુ ભવિષ્યમાં તે પણ ઓનલાઇન કરી દેવા વિચારણા ચાલુ છે.
અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ફી ખૂબ ઓછી છે. અત્યાર સુધી અરજદારોને રૂા. ૨૦૦માં ગેઝેટની બે નકલ અપાતી અને વધારાની પ્રત્યેક નકલના રૂા. ૮૦ આપવા પડતા પરંતુ હવે તેણે પ્રિન્ટ - આઊટ જ કઢાવી લેવાની રહેશે. ઇ-ગેઝેટ પહેલાંના છેલ્લા ૨૫ વર્ષના રેકર્ડ સ્કેન કરીને રખાયેલા હોવાથી તેની નકલ ઉપલબ્ધ બની શકે છે.
ક્યા-ક્યા હેતુ માટે ગેઝેટમાં પ્રસિધ્ધિ જરૂરી
* નામ કે અવટંક બદલવા * યુવતીના લગ્ન પછી નામ પાછળ પિતાનાં નામને બદલે પતિનું નામ * બાળકની દત્તકવિધિ સંદર્ભે * રી - મેરેજ વખતે * સ્પેલિંગની ભૂલ દૂર કરવા * શૈક્ષણિક હેતુસર આપવાના દાખલામાં સાચી વિગત રજૂ કરવા.
વિઝા કચેરીઓમાં ઇ-ગેઝેટ માન્ય રહેવા વિશે અવઢ્વ
આમ તો યુગ જ ડિજિટલ થતો ચાલ્યો છે અને પાશ્ચાત્ય દેશો તો એ મામલે ભારત કરતાં ખૂબ એડવાન્સ પણ છે પરંતુ તેમ છતાં નામ - અવટંક કે જન્મ તારીખમાં ફેરબદલના ઇ-ગેઝેટની પ્રિન્ટ આઊટ વિઝા કચેરી યા એમ્બસીમાં માન્ય રહે કે કેમ તે વિશે શંકાઓ ઉપજી છે. સરકારી તંત્રનું કહેવું છે કે, છેલ્લા પેજ ઊપર ક્યુઆર કોડ રખાયો હશે, એટલે ક્યાંય પણ કોઇ સક્ષમ ઓથોરિટીને શંકા ઉપજે તો સ્કેન કરીને ખરાઇ કરી જ શકે છે.