Get The App

અમદાવાદમાં અપહરણ થયું તે આચાર્યએ શિક્ષણ સમિતિની મંજૂરી વિના અનેક વિદેશ પ્રવાસ કર્યા

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
 Amroli Principal


Principal of Amroli was Frequently Going to Dubai without NOC: સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્યને અપાવેલા પૈસા પરત લેવા અપહરણ કરાયું હતું તે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમરોલી-ઉત્રાણની શાળાના શિક્ષક તબીબી કારણ આપીને એક મહિનાની રજા પર ઉતરી ગયા છે. આ દરમિયાન તેમના મંજૂરી વિના અનેક વિદેશ પ્રવાસ સહિતની ગેરરીતિ બહાર આવતા તેમને શૉ કોઝ નોટિસ અપાઈ હતી, પરંતુ તેઓ હાજર થયા ન હતા. 

પૂર્વ ધારાસભ્ય ધનજી પટેલના ભત્રીજા સાથેની નાણાંકીય લેવડદેવડનો કેસ

શિક્ષણ સમિતિની અમરોલી-ઉત્રાણ શાળા ક્રમાંક 285ના આચાર્ય સંજય પટેલ સામે હાલમાં સમિતિની કોઈ પણ જાતની મંજૂરી વિના અનેક વખત વિદેશ પ્રવાસ (દુબઈ) ગયા હોવાની ફરિયાદ બાદ શૉ કોઝ નોટિસ આપી 25 નવેમ્બરે હાજર થવા જણાવાયું હતું. જો કે  ફ્રેકચર થયું છે તે કારણ આપીને તે 30 દિવસની મેડિકલ રજા પર ઉતરી ગયા. બીજી તરફ, થોડા દિવસ પહેલા જ સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્યના દુબઈ રહેતા ભત્રીજાને મિત્રતાના નાતે અપાવેલા રૂ. 3.50 કરોડ પરત મેળવવા આચાર્ય સંજય પટેલનું અપહરણ કર્યું હતું. 

શિક્ષણ સમિતિએ તપાસ શરૂ કરી

આચાર્ય સંજય પટેલ શિક્ષક તરીકે પગાર લે છે સાથે વેપાર પણ કરે છે તેવો આક્ષેપ છે. તે દુબઈમાં વેપારી છે અને મંજૂરી વિના અનેકવાર દુબઈનો પ્રવાસ કરી ચૂકયા હોવાનો આક્ષેપ છે. દુબઇના તેમના ફોટા વાયરલ થઇ રહ્યા છે. આ ઉપરાંત આચાર્ય ટ્રાવેલ એજન્સી સાથે પણ જોડાયેલા છે. તે અંગે શિક્ષણ સમિતિએ તપાસ શરૂ કરી છે.

ફરિયાદ મળતા શોકોઝ નોટિસ અપાઈ

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સમિતિના કેટલાક શિક્ષકો બિલ્ડર તો કેટલાક ધંધાદારી બની ગયા હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે. કેટલાક બિલ્ડરના ધંધા, કેટલાક વીમા કંપનીના એજન્ટ હોવાની ફરિયાદો બાદ શિક્ષાત્મક પગલા ભરાયા હતા. જો કે, સંજય પટેલ જેવા કેટલાક શિક્ષકો-આચાર્યો સામે કોઈ કાર્યવાહી થઈ નથી.

આ પણ વાંચો: વડોદરાના વોર્ડ નંબર-1માં દૂષિત પાણી મુદ્દે છેલ્લા 6 મહિનાથી રજૂઆતો છતાં પરિણામ શૂન્ય

મંજૂરી વિના અનેક વખત વિદેશ પ્રવાસે ગયા હોવાની ફરિયાદ

ઈનચાર્જ શાસનાધિકારી મેહુલ પટેલે જણાવ્યું હતું કે, આ શિક્ષક મંજૂરી વિના અનેક વખત વિદેશ પ્રવાસે ગયા હોવાની ફરિયાદ મળતા શોકોઝ નોટિસ અપાઈ હતી. તમને વિદેશ પ્રવાસ અંગે કોઈ એનઓસી અપાઈ નહોતી. હાલમાં આ કિસ્સામાં તપાસ ચાલી રહી છે. પુર્ણ થયા બાદ કડક પગલા ભરવામાં આવશે.

આચાર્ય દોષી સાબિત થશે તો સસ્પેન્ડ કરાશેઃ ચેરમેન

શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ શિક્ષકે વિદેશ પ્રવાસ માટે કોઇ અરજી આપી નહોતી. રજા માટે મેડિકલ સર્ટિફિકેટ મુક્યા છે તેનું ક્રોસ વેરિફિકેશન કરાશે. વિદેશ પ્રવાસ દરમિયાન શાળામાં તેમની હાજરી અંગે તપાસ અંતિમ તબક્કામાં છે. દોષી સાબિત થશે તો સસ્પેન્શનની કાર્યવાહી થશે.

અમદાવાદમાં અપહરણ થયું તે આચાર્યએ શિક્ષણ સમિતિની મંજૂરી વિના અનેક વિદેશ પ્રવાસ કર્યા 2 - image


Google NewsGoogle News