પોરબંદરના રીણાવાડીની શાળાના આચાર્યે શિક્ષિકાના ત્રાસથી આત્મહત્યા કરી લીધી
સ્થાનિક સ્ટાફ ખટપટના કારણે ભોગ લેવાયો
શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા ખોટી રીતે હેરાન કરતા હોવાનો મૃતકના પરિવારજનોનો આક્ષેપ
બનાવની વિગત એવી છે કે પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતા અને નજીકના રીણાવાડા ગામે સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં જગદીશગીરી ગોસ્વામી (ઉ.વ. ૫૬)એ વહેલી સવારે છ વાગ્યે ઝેરી ટીકડા ખાઇ લીધા હતા. તેથી તેમને સારવાર માટે સૌ પ્રથમ પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની સ્થિતિ ગંભીર બનતા વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવાતા હતા. ત્યારે ગોંડલ નજીક તેમનું મોત નિપજ્યું હતું. તેથી તેમના મૃતદેહને પોરબંદરની સરકારી ભાવસિંહ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. અને ત્યાં પોલીસ તપાસ અર્થે દોડી ગઇ હતી.
પોલીસ સમક્ષ કેટલાંક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં મૃતક આચાર્યના પુત્રએ એવું જણાવ્યું હતું કે, તેના પિતાને એમની જ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક મહિલા દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવતા હતા. તેથી તેના ત્રાસના કારણે જ તેના પિતાએ આપઘાત કર્યો છે. ત્યારે પોલીસે નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી છે.