ખેડામાં એક બે નહીં આઠ શિક્ષકો વિદેશ જતા રહ્યા: ત્રણને ટર્મિનેટ કરાયા, ત્રણ આવતા મહિને થશે
School Teachers Not Come In School At Kheda : શિક્ષણ વિભાગમાં નોકરી લાગી તગડો પગાર લઈને પણ વિદેશ જઈ કમાણી કરવા માટે બાળકોના શિક્ષણનો ભોગ લેતાં શિક્ષકો સામે હવે કાર્યવાહી શરુ થઈ ગઈ છે. જેમાં ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ટર્મિનેશનની પ્રક્રિયા ફેબ્રુઆરી મહિનાથી જ ચાલુ કરી દીધી છે. આ દરમિયાન 8 જેટલા વિદેશ ગયેલા શિક્ષકોમાંથી 3 ને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે.
ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શું કહ્યું?
ખેડા જિલ્લામાંથી ચાલુ સરકારી નોકરીએ નિયમનો ફાયદો ઉઠાવી વિદેશ ચાલ્યા જતાં શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી શરુ થઈ ગઈ છે. જેમાં 31 જુલાઈના રોજ ત્રણ શિક્ષકોને સર્વિસમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે. ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ વાઘેલાએ જણાવ્યું કે, 'ફેબ્રુઆરીમાં ખેડા જિલ્લામાં મારે ધ્યાને આવ્યું હતું કે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાંથી 8 શિક્ષકો વિદેશ ગયા હતા. જેમાં એક શિક્ષક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાના કારણે વિદેશ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન અનેક ફરિયાદો હોવાથી ફેબ્રુઆરીમાં શિક્ષકો સામે કાર્યવાહી શરુ કરી દીધી હતી. જેમાં ખેડા જિલ્લામાં 3 શિક્ષકોને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા હતા. બીજી તરફ, એક વર્ષ પૂરું થતાં પહેલા ત્રણને નોટિસ ફટકારી. જેમાં ખેડા જિલ્લામાં એક નહિ પરંતુ 8 શિક્ષકો વિદેશમાં હોવાથી તેમને સરકારી નોકરીમાંથી કાઢી મૂકવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેવામાં આ શિક્ષકોને એક વર્ષ સુધી હાજર થવાના નિયમને ધ્યાનમાં રાખીને એક મોકો આપવામાં આવે છે. જ્યારે એક વર્ષ દરમિયાન શાળામાં ગેરહાજર રહેવા માટે શિક્ષકોને ત્રણ નોટિસ મળ્યા બાદ છૂટા કરવાનો નિયમ છે.'
આ પણ વાંચો : વધુ એક 'મેડમ'ની પોલ ખૂલી: ખેડામાં એક વર્ષથી શિક્ષિકા ગેરહાજર, નોટિસનો પણ નથી આપી રહ્યા જવાબ
હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકા 11 મહિનાથી શાળાએ આવ્યાં જ નથી
નડીયાદ તાલુકાની હાથજ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષિકા સોનલબેન પરમાર 01 સપ્ટેમ્બર, 2023થી વિદેશ જતા રહ્યા છે. આમ આ શિક્ષિકા છેલ્લા 11 મહિનાથી શાળામાં ગયા નથી. આ દરમિયાન ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શિક્ષિકાને ત્રણ વખત નોટિસ ફટકારવામાં આવી છે. જો કે, એક વર્ષમાં શાળામાં હાજર ન રહેનારા શિક્ષકોને છૂટા કરવાના નિયમ સામે, આવતા મહિને સપ્ટેમ્બરમાં આ શિક્ષિકાનું 1 વર્ષ પૂરું થતાં શિક્ષણ વિભાગ દ્વારા તેમને નોકરીમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે, ખેડા જિલ્લાના એક તાલુકામાં એક એવી શાળા છે જ્યાં એક રૂમની શાળામાં બે શિક્ષક છે. જેમાંથી એક શિક્ષક તો વિદેશ જતા રહ્યા છે.