સુરતની શાન ગણાતાં પોંકમાં ડ્રાયફ્રૂટ મીઠાઈ જેટલો ભાવ વધારો : અછત અને ભાવને કારણે આસપાસના વિસ્તારમાં પોંકના સ્ટોલનું સ્થળાંતર
Surat : આંધળી વાણીના પોંકની શરૂઆત સુરતથી જ થઈ હતી પણ હવે આ મોનોપોલી તુટી રહી છે. એક સમયે સુરતની ઓળખ ગણાતો પોંક માત્ર સુરતમાં જ મળતો હતો પરંતુ હવે સુરતમાં વિષમ આબોહવાના કારણે પોંકનું સ્થળાંતર થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વખતથી સુરતમાં પોંકની અછત અને ડિમાન્ડ વધુ હોવાથી ડ્રાયફુટ-મીઠાઈ જેવો ભાવ પોંકનો સાંભળવા મળી રહ્યો છે. જેના કારણે હવે સુરતથી આસપાસના નવસારી, બારડોલી, હાંસોટ અને કરજણ હાઈવે વિસ્તારમાં પોંક ના સ્ટોલ વધી રહ્યાં છે અને ત્યાં પણ સુરતની ઘરાકી જોવા મળી રહી છે.
હાલમાં સુરતમાં પોંકની ડિમાન્ડ વધુ છે અને આવક ઓછી છે તેમ છતાં સુરતના વેપારીઓ બારડોલી-કરજણ વિસ્તારમાંથી પોંક લાવીને વેચાણ કરી રહ્યાં છે. જ્યારે કેટલાક વેપારીઓ સુરતમાં જુવારના ડુંડા લાવીને પોંકની ભઠ્ઠીમાં પોંક પાડી વેચાણ કરી રહ્યા છે. જોકે, સુરતમાં હાલમાં પોંકનો ભાવ હાલ મીઠાઈના ભાવની બરોબરી કરી રહ્યો છે. પોંક 900થી 1200 રૂપિયા કિલોથી વેચાણ થતું હોવા છતાં ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે. મેટ્રો સીટી તરફ આગળ દોડતું સુરતમાં ઔદ્યોગિક વિકાસ સાથે સિમેન્ટ કોંક્રિટના જંગલો બની જતાં તેની મૂળ ઓળખ ગુમાવી રહ્યું છે. સુરતની મૂળ ઓળખ એવા આંધળી વાણીના પાકની ખેતી ઓછી થઈ રહી છે અને સુરતમાં પોંકની હાલ શોર્ટેજ ચાલી રહી છે. સુરતમાં પોંક ઓછો હોવાથી ભાવ વધારો છે અને લોકો પોંક માટે લાઈન જોવા મળી રહી છે. સુરતમાં પોંક ઓછો છે અને ભાવ વધુ હોવાથી હવે સુરતના પોંકના સ્ટોલનું સુરતની આસપાસના વિસ્તારમાં સ્થળાંતર થઈ રહ્યું છે.
હાલમાં સુરત નવસારી રોડ પર નવસારી નદીના બ્રિજ પહેલા પોંકના સ્ટોલ જોવા મળે છે. આ વિસ્તારમાં પોંક સુરત કરતાં થોડો નરમ અને મીઠો છે અને સુરત કરતાં ભાવ પણ ઓછો છે. આવી જ રીતે બારડોલી વિસ્તારમાં પણ પોંકના સ્ટોલ જોવા મળી રહ્યાં છે ત્યાં પણ સુરત કરતાં ઓછો ભાવ છે. આ ઉપરાંત ઓલપાડ નજીક આવેલા હાંસોટ, અંકલેશ્વર અને કરજણ હાઈવે પર પણ પોંકના સ્ટોલ જોવા મળી રહ્યાં છે. સુરત કરતાં સસ્તો પોંક અને ક્વોલીટી પણ સારી હોવાથી કેટલાક લોકો રજાના દિવસોમાં નવસારી-બારડોલી વિસ્તારમાં પોંક ખાવા માટે પહોંચી રહ્યાં છે. સુરતીઓ રજાના દિવસોમાં સુરત છોડીને લોંગ ડ્રાઈવ કરીને અન્ય જગ્યાએ પોંકની મજા માણવા જાય છે પરંતુ સેવ અને અન્ય વસ્તુઓ તેઓ સુરતથી લઈ જઈને પોંક પાર્ટી કરી રહ્યાં છે.
ઓછી ઝાકળ અને પ્રદૂષણ વધતા પોંકનો સ્વાદ ફિક્કો થયો
પોંકના કારણે સમગ્ર વિશ્વમાં સુરતની ઓળખ ઉભી થઈ છે પરંતુ સુરતમાં શહેરી કરણ સિમેન્ટ કોંક્રીટ જંગલ અને ખેતરો ઓછા થઈ રહ્યાં છે. મેટ્રો સીટી તરફ આગળ દોડતું સુરતમાં ઔદ્યોગિક વિકાસ સાથે સિમેન્ટ કોંક્રિટના જંગલો બની જતાં તેની મૂળ ઓળખ ગુમાવી રહ્યું છે. સુરતની મૂળ ઓળખ એવા આંધળી વાણીના પાકની ખેતી સુરતથી દુર જઈ રહી છે. આ ઉપરાંત સુરતમાં ઔદ્યોગિક એકમો અને પ્રદૂષણની માત્રા વધુમાં હોવાથી ઠંડી પહેલા જેવી પડતા નથી.
ચાલુ વર્ષે દિવાળી સુધી વરસાદ પડ્યો હતો તેથી જુવારનો પાક ઓછો થયો અને ઠંડીનું પ્રમાણ પણ ઓછું હોવાથી સુરતની ઓળખ સમાન પોંકનું સ્થળાંતર થઈ રહ્યું છે એવું કહેવાય છે કે જેટલી ઠંડી વધુ અને ઝાકળ વધુ એટલો પોંક મીઠો અને પોચો બને છે. ભૂતકાળમાં ભરપુર ઠંડી અને ઝાકળ પડતું. જોકે, હવે ઓછી ઠંડી અને ઓછા ઝાકળ સાથે સાથે પ્રદૂષણ વધતા હાલમાં મળતો પોંકમાં પહેલા જેવી મીઠાશ અને નરમાઇ નથી.