કપડવંજ તાલુકામાં અડધો ડઝન ગ્રામ પંચાયતોમાં દબાણો હટાવાયા
ગ્રામ્ય વિસ્તારમાં દબાણોનો રાફડો
તાલુકાના રમોસડી, ઘડિયા, વ્યાસ વાસણા, આંબલિયારા સહિત અડધો ડઝન ગ્રામ પંચાયતમાં દબાણોનો સફાયો
કપડવંજ શહેરમાં દબાણ હટાવો ઝૂંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે કપડવંજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં ગૌચર- સરકારી જમીનો, તળાવો- નાળા, વાવ- જળસ્ત્રોતને અવરોધ ઉભા કરવા કે પચાવી પાડવાના ઈરાદે મોટા પ્રમાણમાં દબાણો ખડકાઈ ગયા હોવાની રજૂઆતો સાથેની ફરિયાદો ઉઠવા પાણી હતી. જે અંગે ટીડીઓની ટીમે કપડવંજ તાલુકાના આંબલિયારા, રમોસડી, ઘડિયા, વ્યાસ વાસણા અને નરસિંહપુર સહિત અડધો ડઝન ગ્રામ પંચાયત વિસ્તારમાં દબાણોનો આજે સફાયો કરી દીધો હતો. દબાણ હટાવતી વેળાએ દબાણકર્તાઓને આઘાપાછા થવાનો વારો આવ્યો હતો.
કપડવંજના નરસિંહપુર ગામમાં રજૂઆતના પગલે તપાસ કરતા ગૌચરને ખેતર બનાવી ખેતી પણ શરૂ કરી દેવા સાથે તબેલા પણ તાણી દીધા હોવાનું બહાર આવ્યું હતું. દબાણ હટાવો ટીમે જેસીબી મશીનથી ખેડી ખેતરનો કબજો મેળવ્યો હતો.
ઉપરાંત હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં દબાણકર્તાઓ દ્વારા દબાણની વિગતો બહાર આવશે તો તંત્ર દ્વારા તાત્કાલિક ગેરકાયદે દબાણો દુર કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.