ઠાસરા નગરમાં પાલિકા દ્વારા હટાવાયેલા દબાણો ફરી ખડકાયાં
- ચૂંટણી આવ્યા બાદ ઝૂંબેશ સ્થગિત થઈ હતી
- સરકારી દવાખાનાથી ટાવર, હોળી ચકલા, તીનબત્તી, આશાપુરી મંદિરથી પુષ્પાંજલિમાં દબાણો
ઠાસરા : ઠાસરા નગરમાં દબાણો હટાવવાની ઝૂંબેશ બાદ અચાનક સ્થગિત કરી દેવાઈ હતી. ત્યારે જ્યાંથી દબાણો દૂર કરાયા હતા ત્યાં ફરી દબાણો ખડકાઈ ગયા છે. ત્યારે પોલીસ પેટ્રોલિંગ કરવા સાથે સત્વરે દબાણો દૂર કરાય તેવી માંગણી ઉઠી છે.
ઠાસરા નગરમાં વહીવટદારોએ પાંચ દિવસ દબાણ હટાવો ઝૂંબેશ ચાલુ રાખી હતી. બાદમાં ડાકોર પાલિકાની ચૂંટણીની કામગીરીમાં અધિકારીઓ વ્યસ્થ થતા દબાણ હટાવવાનું બંધ થઈ ગયું હતું. ઠાસરા નગરમાં સરકારી દવાખાનાથી પીપલવાડા ચોકડીથી નવી નગરી વિસ્તારમાં તો દબાણ હટાવવાનું શરૂ પણ કરાયું નથી. જ્યારે સરકારી દવાખાનાથી ટાવર, હોળી ચકલા, તીનબત્તી વિસ્તાર, આશાપુરી મંદિરથી પુષ્પાંજલિ તરફ દબાણો હટાવ્યા બાદ પાછા દબાણો ખડકાઈ ગયા છે. જ્યારે હોળી ચકલાથી નાગરવાડા તરફ, ટાવરથી હુસેની ચોક, ગોધરા બજાર, રામચોક વિસ્તારમાં દબાણોનો ખડકલો જોવા મળ્યો છે. ત્યારે દબાણો સત્વરે દૂર થાય તેવી માંગણી નગરજનો કરી રહ્યા છે.