દબાણ હટાવ શાખાના ઈન્સ્પેક્ટર પર પાડોશી દ્વારા તલવાર વડે હુમલો
રાજકોટના ભગવતીપરા વિસ્તારની ઘટના
કાર પાર્કિંગ બાબતે બાખડી રહેલા પાડોશીઓ વચ્ચે પડતાં હુમલો થયાનું ખુલ્યું
રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખામાં ઈન્સ્પેકટર તરીકે નોકરી કરતા સાહેજાન અભરામભાઈ સેરસીયા (ઉ.વ.૪૮) ઉપર પાડોશમાં રહેતા ઈમ્તિયાઝ ઉર્ફે ખાનભાઈ યુસુફભાઈ પઠાણે તલવાર વડે હુમલો કર્યાની બી.ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મુળ વાંકાનેરના સરધારકા ગામનાં ને હાલ ભગવતીપરાનાં શિવમ
પાર્ક શેરી નંબર - ૧માં રહેતા સાહેજાનભાઈએ ફરીયાદમાં જણાવ્યું છે કે, આજે સવારે ઘરે
હતા ત્યારે શેરીમાં ઝઘડા અને ગાળાગાળીનો અવાજ આવતા બહાર નીકળ્યા હતાં. તે વખતે
સાર્વજનીક પ્લોટ પાસે પાડોશી યુસુફભાઈ શબ્બીરભાઈ સદ્દીકોટ સાથે બીજો પાડોશી ઈમ્તિયાઝ ઝઘડો કરતો હતો. જેથી તેણે ત્યાં જઈ
યુસુફભાઈને પુછતા જાણવા મળ્યું હતું કે
યુસુફભાઈએ સાર્વજનીક પ્લોટમાં પોતાની ફોર વ્હીલર પાર્ક કરી હતી. સોસાયટીનાં
અન્ય રહીશો પણ આ જ સાર્વજનીક પ્લોટમાં ફોર વ્હીલર પાર્ક કરે છે. જેમાં ઈમ્તિયાઝ પણ
પોતાની અર્ટીગા કાર પાર્ક કરતો હતો. પરંતુ તેને પોતાની કાર કાઢવામાં તકલીફ પડતી
હોવાથી પાડોશી યુસુફભાઈ પોતાની કાર પાર્ક કરે તે ગમતું ન હતું.
જેથી તેણે યુસુફભાઈને પોતાની કાર લઈ લેવાનું કહેતા બન્ને
વચ્ચે ઝઘડો થયો હતો. જેથી બન્નેને સમજાવવા જતા ઈમ્તિયાઝે તેને ધક્કો મારી કહ્યું
કે તમે અહીંથી જતા રહો, આ મારી
મેટર છે. જેની સામે તેણે ઝઘડો નહી કરવા સમજાવતા ઈમ્તિયાઝે તેને, યુસુફભાઈ અને
તેના પત્નિ એતુનબેનને ગાળો ભાંડવાનું શરૃ કર્યું હતું.
પરિણામે તેણે લેડીઝ હોવાથી જાહેરમાં ગાળો નહી બોલવાનું કહેતા તેને ગાળો દઈ ધક્કો મારી હાથાપાઈ કરી હતી. એટલું જ નહીં એકદમ ઉશ્કેરાઈ જઈ ઘરેથી તલવાર લઈ આવી તેનો ઘા કરવા ગયો હતો. પરંતુ તેણે ડાબો હાથ આડો દેતા ત્યાં ઘસરકો પડી ગયો હતો અને લોહી નીકળવા લાગ્યું હતું. તે સાથે જ માણસો ભેગા થઈ જતા ઈમ્તિયાઝ ભાગી ગયો હતો. બાદમાં તેણે સિવિલમાં જઈ સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવી હતી.