લખતરમાં અમરેલીની પાટીદાર યુવતીના સરઘસ મુદ્દે રજૂઆત
પાટીદાર સમાજે આવેદન પત્ર આપી જવાબદાર સામે પગલા ભરવા માંગ
સુરેન્દ્રનગર: અમરેલી જિલ્લાના લેટરકાંડના બનાવમાં પાટીદાર સમાજની દીકરીની રાત્રીના સમયે પોલીસે ધરપકડ કરી રિકનસ્ટ્રકશન કરાવવાનો બનાવ બનાવના ઝાલાવાડમાં પડઘા પડયા છે. લખતર શહેરમાં પાટીદાર સમાજે મામલતદારને આવેદન પત્ર પાઠવી જવાબદાર પોલીસ અધીકારી અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો બનાવટી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે મામલે કિશોર કાનપરીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ પૂર્વ ભાજપ હોદ્દેદાર મનિષ વઘાસીયા સહિત ૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં પાટીદાર સમાજની એક યુવતીનો પણ સમાવેશ થાય છે. પોલીસે બીજા દિવસે રિકન્સ્ટ્રક્શનના નામે મુખ્ય રોડ પર આરોપીઓનું સરઘસ કાઢયું હતું, જેમાં પાટીદાર યુવતી પણ સામેલ હતી. આ યુવતી પાટીદાર સમાજની હોવાથી હવે પાટીદાર નેતાઓ તેમજ ખોડલધામના ટ્રસ્ટીઓ પણ મેદાનમાં ઉતર્યા છે અને પાટીદાર સમાજની દીકરી નિર્દોષ હોવાનું જણાવ્યું છે. ત્યારે આ બનાવના વિરોધમાં લખતર પાટીદાર સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું અને આ બનાવમાં જવાબદાર દોષીત પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.