Get The App

વડોદરાના આઠ તાલુકાના ૩૨૮ ગામોમાં ૪૪૨૭૯ મિલકતોના પ્રોપર્ટી કાર્ડ તૈયાર

વડોદરા જિલ્લામાં કુલ ૫૩૮ ગામોની મિલકતોના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાનો લક્ષ્યાંક ઃ આઝાદી બાદ પ્રથમ વખત માલિકોને પ્રોપર્ટીકાર્ડ મળશે

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
વડોદરાના આઠ તાલુકાના ૩૨૮ ગામોમાં ૪૪૨૭૯ મિલકતોના પ્રોપર્ટી કાર્ડ તૈયાર 1 - image

વડોદરા, તા.26 વડોદરા જિલ્લામાં દરેક તાલુકાના ગામોમાં પ્રોપર્ટીના માલિકોને પોતાની પ્રોપર્ટીનું રેકર્ડ માપ સહિત મળે તે માટે પ્રોપર્ટીકાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં કુલ આઠ તાલુકાઓમાં આવેલા ૩૨૮ ગામોમાં મિલકતના માલિકો માટેના કુલ ૪૪૨૭૯ પ્રોપર્ટીકાર્ડ તૈયાર થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારમાં મિલકતના માલિકોને પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવે છે તેવી જ રીતે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રોપર્ટીકાર્ડ મિલકતોના માલિકોને મળતું થશે. ગામતળમાં પ્રોપર્ટી માલિક પાસે પોતાની પ્રોપર્ટી અંગેનું કોઇ રેકર્ડ આજદિન સુધી ન હતું તેવા માલિકોને પણ પ્રોપર્ટીકાર્ડ આપવા માટેનો પ્રોજેક્ટ સ્વામિત્વ યોજના શરૃ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દરેક ગામમાં દરેક ઘરમાં પ્રોપર્ટીકાર્ડ આપી તેઓનેે માલિક તરીકે પ્રસ્થાપિત કરાશે. વડોદરા જિલ્લામાં આ અંગે ડ્રોનથી સર્વે બાદ માપણી, માર્કિગ સહિતની કુલ ૧૪ તબક્કામાં કામગીરી કર્યા બાદ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

જે ઘરનું રેકર્ડ આજદિન સુધી ન હતું તેવા ઘરના માલિકોને રેકર્ડ મળે તે માટે ચોક્સાઇથી માર્કિગ અને માપણી કરવામાં આવ્યા હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જિલ્લા નિરિક્ષણ જમીન દફ્તર દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી વખતે પ્રોપર્ટીના માલિકોને આકારણીપત્રક, વેરાપાવતી, વાડાપત્રક સહિતના પુરાવા રજૂ કર્યા બાદ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાયા છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાના કુલ ૮ તાલુકાઓમાં આવેલા કુલ ૫૩૮ ગામોમાં પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવશે જે પૈકી ૩૨૮ ગામોમાં ૪૪૨૭૯ મિલકતોના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. પ્રમોલગેશન બાદ આ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ગામોની મિલકતોના પ્રોપર્ટી કાર્ડમાં નકશા પણ હશે

- પ્રોપર્ટી કાર્ડ મળતા હવે ગ્રામ્ય વિસ્તારના નાગરિકો લોન મેળવવા તેનો ઉપયોગ કરી શકશે

- મિલકતનું માપ નક્કી થતાં હવે ઉચ્ચક વેરાના બદલે માપ મુજબ વેરો નક્કી થશે

- ડ્રોન સર્વે બાદ નકશા તૈયાર થયા હોવાથી મિલકતની ઓળખ માટે ઉપયોગી થશે

- મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસો ઘટશે

- પ્રોપર્ટી કાર્ડમાં નકશા, મિલકતના માલિકનું નામ, ક્ષેત્રફળની વિગતો જોવા મળશે

- પ્રોપર્ટી કાર્ડની નકલ ઓનલાઇન ઘેર બેઠા પણ મેળવી શકાશે

સૌથી વધુ કરજણ તાલુકામાં પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા

તાલુકો ગામોની સંખ્યા પ્રોપર્ટી કાર્ડ

વડોદરા ૩૪ ૪૯૪૬

વાઘોડિયા ૮૩ ૬૫૧૨

સાવલી ૮૦ ૮૦૧૨

પાદરા ૬૬ ૭૭૧૯

ડભોઇ ૧૦૬ ૪૬૩૨

શિનોર ૩૬ ૫૩૨

ડેસર ૪૬ ૨૩૭૯

કરજણ ૮૭ ૯૫૪૭

કુલ ૫૩૮ ૪૪૨૭૯


Google NewsGoogle News