ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો માહોલ, કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ પહોંચી ગાંધીનગર
- તમામ કલેક્ટર અને કેન્દ્રીય ચૂંટણી પંચ બેઠક માટે ગાંધીનગર લીલા હોટેલમાં પહોંચ્યા
ગાંધીનગર, તા. 26 સપ્ટેમ્બર 2022, સોમવાર
વર્ષાન્તે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. તે સાથે જ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગાંધીનગર લીલા હોટેલ ખાતે પહોંચી ગઈ છે.
આ વખતે કેન્દ્રીય ચૂંટણી પંચ રાજ્યના તમામ કલેક્ટર સાથે બેઠક યોજવાનું છે. 16 જેટલા ડેલીગેશન્સ ગાંધીનગર પહોંચી ગયા છે અને કેન્દ્રીય ચૂંટણી પંચનું ડેલીગેશન તમામ કલેક્ટર સાથે બેઠક કરવાનું છે. આ કારણે તમામ કલેક્ટર અને કેન્દ્રીય ચૂંટણી પંચ બેઠક માટે ગાંધીનગર લીલા હોટેલમાં પહોંચ્યા છે.
નોંધનીય છે કે, ચૂંટણીપંચની ગુજરાત મુલાકાત બાદ કોઈ પણ સમયે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને અનુપ ચંદ્રા આજે ગુજરાતની મુલાકાતે છે. 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે અને ચૂંટણી વ્યવસ્થા અંગે પણ બેઠક કરશે.
વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી દરેક રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓની ગુજરાત મુલાકાત વધી રહી છે. આ બધા વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચે પણ તૈયારીઓનો ધમધમાટ આરંભ્યો છે.
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આ પહેલા પણ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી હતી. તે સમયે તેમણે તમામ જિલ્લા કલેક્ટર્સ અને પોલીસ વડાઓ સાથે બેઠક યોજી હતી. તેમણે અમદાવાદમાં બે દિવસીય ચૂંટણીલક્ષી બેઠક યોજી હતી.
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમે મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત કલેક્ટર અને પોલીસ વડાઓએ પોતાના જિલ્લાની ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. 2022ની ચૂંટણીની તૈયારીઓ માટે ચૂંટણી પંચની તે પહેલી મોટી બેઠક હતી.