જામનગર શહેરમાં મહાનગર પાલિકા દ્વારા રૂ.49.17 લાખના ખર્ચે પ્રિ-મોન્સુન સફાઈ કામગિરીનો થશે પ્રારંભ
Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાને લઈને અમુક વિસ્તારમાં કેનાલ-નદીના પ્રવાહની પ્રિ-મોન્સુન સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ચાલુ માસના અંતથી શહેરમાં વરસાદી પાણી લાવતી દરેડથી પવનચક્કી-રણમલ તળાવ સુધીની કેનાલ તેમજ પાણીના જાવકની જુદા-જુદા વોર્ડમાં આવેલી ઓપન કેનાલોની સફાઈ રૂ.49.17 લાખના ખર્ચે શરૂ કરવામાં આવશે. આ સમગ્ર કામની ટેન્ડર પ્રક્રિયા પુરી થઈ છે. સ્ટેન્ડિંગ કમિટીની મંજુરી બાદ કામની તે કામની સોંપણી કર્યા બાદ તુરતજ પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ થઈ જશે.
શહેરમાં બે વર્ષ પહેલાં જયાં વરસાદ રોકાઈ ગયાના બે દિવસ પછી પણ ધરોમાં પાણી ભરાયેલા રહ્યા હતા. તે મોહનનગર, નારાયણનગર વિસ્તારને પ્રાથમિકતા આપીને આ વિસ્તારની ઉપરવાસ તેમજ તેના નીચાણના વિસ્તારોમાં નદીના પ્રવાહ માર્ગની સફાઈ થણા દિવસોથી ચાલુ છે. ત્યારે કોર્પોરેશનના સોલીડવેસ્ટ વિભાગ દ્વારા આગામી દિવસોમાં રણમલ તળાવમાં રંગમતી નદીના પાણી લાવતી ફીડીંગ કેનાલના ખુલ્લા ભાગોની સફાઈ કરવામાં આવશે.
આ ઉપરાંત પાણીના જાવક માર્ગોની સફાઈનું આયોજન જોઈએ તો કિર્તિપાનથી આંબાવાડી પાછળથી પટેલપાર્ક, પંપ હાઉસથી પટેલપાર્ક, મહાવીરનગર, ખાનગી સ્કુલ પાછળથી મારુ કંસારા હોલ તરફ, દિગ્વિજય પ્લોટ શેરી નંબર-49ના છેડેથી રામનગર ઢાળીયાથી ગોકુનગરથી એરફોર્સ-2, મયૂરપાર્કથી વિશાલ હોટેલ થઈ સુપર ફનીચરથી ચેમ્બર કોલોની, ખંભાળીયા રોડ ઓવર બ્રિજથી દવા બજાર કોલોનીથી સાતનાલા તેમજ સોનલનગર, 1404 આવાસો તરફ, એરફોર્સ-1થી ઢીંચડા તરફ અને ઉપરાંત ગેલેક્સી સિનેમાથી વેલનાથનગરથી સ્મશાન તરફ, વોર્ડ નંબર-10માં બચુનગર, ધુંવાવ નાકા, સુભાસ બ્રિજ તરફની કેનાલ, સાત રસ્તા સર્કલથી ખોડીયાર મંદિર થઈને ઝગડીયાના નાલાથી પોલીસ હેડક્વાર્ટર્સ પાછળના વિસ્તારમાં કેવડી નદી તરફ સહિતના વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.