વડોદરામા ભુખી કાંસની ચોમાસા પૂર્વેની સફાઈ થઈ જ નથી : જંગલી વનસ્પતિ અને લીલનો ઉપદ્રવ
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વેની 80 ટકા કામગીરી થઈ ગઈ હોવાની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહિલા કાઉન્સિલરના કહેવા મુજબ હજુ તો માત્ર 20% કામગીરી થઈ છે અને 80 ટકા બાકી છે. ખાસ કરીને ભૂખી કાંસની સફાઈ જ થઈ નથી એમ તેમનું કહેવું છે.
તેઓ કહે છે કે છાણી એકતા નગર પાછળથી શરૂ થતો આ વરસાદી કાંસ સંપૂર્ણ સાફ કરેલો હોય તો જ છાણી, નવા યાર્ડ, સમા, નિઝામપુરા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો અને પૂરની સ્થિતિ ટાળી શકાય. છાણીથી શરૂ કરીને સ્ટેશન પાછળ સુધી આ વરસાદી કાંસ આવેલો છે, તે સાફ કરવો જરૂરી બને છે. કોર્પોરેશનની સભામાં તેમણે ભૂખી કાંસની સફાઈ નહીં થઈ હોવાની તસ્વીર પણ રજૂ કરી હતી, પરંતુ તંત્ર તેની વાતને વળગી રહ્યું હતું. આ કાંસમાં હાલ જંગલી વનસ્પતિ ઉગેલી છે, લીલ બાઝેલી છે, અને કચરો પણ જામેલો છે. છાણી અને ઉપરવાસથી વરસાદી પાણી ભૂખી કાંસ દ્વારા વિશ્વામિત્રી તરફ વહે છે, પરંતુ દર વખતે કાંસની સફાઈ બરાબર ન હોવાના કારણે પાણીનો નિકાલ થતો નથી અને જળભરાવ થાય છે. તેમનું કહેવું છે કે કોર્પોરેશન લાખોના ખર્ચે તરતું જેસીબી મશીન લાવ્યું છે. જે કાસમાં ઉતરીને સફાઈ કરે છે, પરંતુ આ મશીન ભૂખી કાંસમાં કામ લાગે તેમ નથી. કારણ કે ઘણી જગ્યાએ ઉપરથી ઢાંકી દીધો છે, અને સાંકડો પણ બનાવી દીધો છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેશન દર વખતે ચોમાસા પૂર્વેની સફાઈ કાગળ ઉપર બતાવે છે, પરંતુ જ્યારે વરસાદ પડે છે, ત્યારે બધી પોલ ખુલી જાય છે.
કોંગ્રેસના કોર્પોરેટરએ કર્યા આક્ષેપો
વધુમાં વોર્ડ નંબર એકના કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ સભામાં રજૂઆત કરી હતી કે, અમારા વિસ્તારમાં આવેલ આરાધના સોસાયટી તથા આજુબાજુના વિસ્તારમાં કાંસ પર સલેબ ભરી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ બનાવ્યું તેમાં કોર્પોરેશનને માત્ર ટ્રાન્સપોર્ટેશનની લોક સુવિધા માટે જગ્યા આપી હતી પરંતુ ટ્રાન્સપોર્ટેશનની બહાર ભૂખિ કાસનો સ્લેબ પૂરી દેવાની મંજૂરી કોણે આપી? તેઓ સવાલ તેમણે ઉઠાવ્યો હતો. તેમને જણાવ્યું કે, મેં તપાસ કરી તો ફ્યુચરિસ્ટિક સેલ કહે છે અમે મંજૂરી નથી આપી અને વરસાદી ગટર, ડ્રેનેજ વિભાગ પણ પોતે મંજૂરી નહીં આપી હોવાનું જણાવી રહ્યું છે ત્યારે પીપીપી ધોરણે કોર્પોરેશને આપેલી જમીન બાદ વરસાદી કાંસ પુરી ટ્રાન્સપોર્ટેશન હબમાં કોમર્શિયલ હેતુની પ્રવૃત્તિ થવી એ નિયમનો ભંગ છે. આ કાસમાંથી ઘણી પીવાના પાણીની લાઈન જાય છે અને ઘણી લાઈન લીકેજ છે તેના પર તપાસ થવી જોઈએ. આ મામલે કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, આની તપાસ કરી તમને જવાબ આપવામાં આવશે.