ડીંડોલીમાંથી પ્રવિણ રાઉત ગેંગનો રીઢો ગુનેગાર દેશી પિસ્ટલ, બે કાર્ટિજ સાથે પકડાયો
- લૂંટ વીથ મર્ડરમાં ધાડ-લૂંટ, હત્યાની કોશિષ અને આર્મ્સ એક્ટના 9 ગુનામાં સામેલ પ્રિન્સ રાજપૂત 12 વર્ષ બાદ ત્રણ મહિના અગાઉ જામીન મુકત થયો
- જેલમાં જગ્ગા માલિયા ગેંગના સાથીદાર સાથે મારામારી થતા હુમલાના ડરથી પિસ્ટલ લઇ ફરતો હતોઃ પિસ્ટલ આપનાર જેલના મિત્ર એવા રીઢા ગુનેગાર વિપલ ટેલરને વોન્ટેડ જાહેર કર્યો
સુરત
ડીંડોલીના પ્રમુખ પાર્ક ઓવર બ્રિજ પાસેથી ક્રાઇમ બ્રાંચે કુખ્યાત પ્રવિણ રાઉત ગેંગના સાથીદાર એવા લૂંટ વીથ મર્ડર, લૂંટ, હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારને દેશી બનાવટની પિસ્ટલ અને 2 નંગ કાર્ટિસ સાથે ઝડપી પાડયો છે. પ્રાથમિક પૂછપરછમાં જગ્ગા માલિયા ગેંગ સાથે દુશ્મનાવટ હોવાથી સ્વબચાવમાં પિસ્ટલ લઇને ફરતો હોવાની કબૂલાત કરી છે.
ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ડીંડોલીના પ્રમુખ પાર્ક બ્રિજ પાસેથી પ્રિન્સ ઉર્ફે રવિ મહેન્દ્રસીંગ રાજપુત (ઉ.વ. 33 રહે. અરે શ્રી રેસીડેન્સી, ખરવાસા રોડ, ડીંડોલી અને મૂળ. ઘુઠ્ઠા, તા. ચંદના, જોનપુર, યુ.પી) ને ઝડપી પાડી કમરના ભાગે લટકાવેલી દેશી બનાવટની પિસ્ટલ તથા ઝીપ બેગમાંથી બે કાર્ટિસ મળી કુલ રૂ. 20,200 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પાંડેસરાની કુખ્યાત પ્રવિણ રાઉત ગેંગના સાથીદાર એવો પ્રિન્સ ઉર્ફે રવિએ વર્ષ 2007 માં ગુનાખોરીની દુનિયામાં પગ મુકયો હતો અને તેના વિરૂધ્ધ અત્યાર સુધીમાં સુરત જિલ્લાના કડોદરા, બારડોલી ઉપરાંત સુરત સિટીમાં પાંડેસરા, વડોદરાના કારેલીબાગ તથા વતન યુ.પીના ગાજીપુરના કરંડા પોલીસ સ્ટેશનમાં લૂંટ વીથ મર્ડરનો એક1, ધાડલૂંટના 4, હત્યાની કોશિષના 2 અને આર્મ્સ એક્ટનો 1 મળી કુલ 9 ગંભીર ગુનામાં સંડાવાયેલો રીઢો ગુનેગાર છે. વર્ષ 2011 માં પોલીસે પ્રિન્સને લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો ત્યાર બાદ વર્ષ 2023 માં ઓકટોબર મહિનામાં જામીન મુક્ત થયો હતો. ઉલ્લેખનીય છે કે પ્રિન્સ જેલમાં હતો ત્યારે પ્રવિણ રાઉત ગેંગના કટ્ટર જગ્ગા માલિયા ગેંગના ટીલા દલાઇ સાથે જેલમાં બે વખત મારામારી થઇ હતી. પ્રિન્સ જેલમાંથી જામીન મુક્ત થયો તે અરસામાં ટીયા દલાઇ પણ જામીન મુક્ત થતા તે હુમલો કરશે તેવો પ્રિન્સને ડર છે. જેથી જેલમાં આર્મ્સ એક્ટના ગુનામાં કેદ વિપલ મનીષ ટેલર (રહે. સ્વસ્તિક રેસીડેન્સી, જી.ડી ગોએન્કા સ્કૂલ નજીક, વેસુ) સાથે મિત્રતા થઇ હતી અને તે પણ હાલ જામીન મુક્ત હોવાથી દોઢ મહિના અગાઉ સ્વબચાવ માટે પિસ્ટલ લીધી હતી. જેથી વિપલ ટેલરને વોન્ટેડ જાહેર કર્યો છે. વિપલ અગાઉ ઓનલાઇન ડ્રગ્સ વેચવાના પ્રકરણમાં દિલ્હી પોલીસ ઉપરાંત સુરત પોલીસમાં ડ્રગ્સના ધંધાની બાતમી આપ્યાની અદાવતમાં મહિલાને વોઇસ મેસેજ મોકલાવી ધમકી આપવાના તથા પ્રેમિકા સાથે મળી પૂર્વ પ્રેમી ઉપર હિંસક હુમલો કરવા સહિતના સંગીન ગુનામાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે.