Get The App

મોરબીના પ્રૌઢને મહિલાએ હનીટ્રેપમાં ફસાવી રૂ. 23.50 લાખ પડાવી લીધા

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
મોરબીના પ્રૌઢને મહિલાએ હનીટ્રેપમાં ફસાવી રૂ. 23.50 લાખ પડાવી લીધા 1 - image


સુલતાનપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો ફોન ઉપર મીઠી-મીઠી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી લઈ મળવા બોલાવીને ખંખેરી લીધા

રાજકોટ, : મોરબીમાં કેનાલ રોડ પર ગંગાદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને સિરામિકમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા ભરતભાઈ ભીખાભાઈ કારોલીયા (ઉ.વ. 50)ને એક મહિલા અને તેની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી રૂ. 23.50 લાખ પડાવી લીધાની સુલતાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે.

ફરિયાદમાં ભરતભાઇએ જણાવ્યું છે કે તે લેબર કોન્ટ્રાક્ટરની સાથોસાથ સિરામિક કંપનીમાં પ્રોડકશન મેનેજર તરીકે નોકરી કરે છે. સંતાનમાં એક પુત્રી છે. જે સાસરે છે. જ્યારે પુત્ર રાજકોટમાં માર્કેટિંગનો અભ્યાસ કરે છે. એકાદ માસ પહેલા તે મોરબી ખાતે પોતાના કારખાને હાજર હતા ત્યારે એક કોલ આવ્યો હતો. સામે છેડેથી શારદાબેન છે કે કેમ તેવું પૂછ્યું હતું. જેથી તેણે રોંગનંબર કહી કોલ કટ્ટ કરી નાખ્યો હતો.

ત્યારબાદ બીજા દિવસે તે જ નંબર ઉપરથી કોલ આવ્યો હતો. સામે છેડે યુવતીનો અવાજ સાંભળવા મળ્યો હતો. જેણે પોતાનું નામ ક્રિષ્ના જણાવી કહ્યું કે ફોન કાપતા નહીં. આ પછી તે પટેલ જ્ઞાાતિની હોવાનું અને સુલતાનપુર રહેતી હોવાનું જણાવ્યું હતું. દસેક મીનીટ વાતચીત કરી હતી. પાંચ-છ દિવસ બાદ તે જ નંબર પરથી ફરીથી ક્રિષ્નાએ કોલ કર્યો હતો. આ પછી અવારનવાર વાતો કરી પોતાની સાથે પ્રેમ સબંધ રાખવાનું કહી મળવા બોલાવ્યા હતા. જેને કારણે તેની વાતમાં ફસાઇ ગયા હતા. 

ગઇ તા. 4 માર્ચના રોજ ક્રિષ્નાને મળવા મોરબીથી I-20 કાર લઇ નીકળ્યા હતા. ખોડલધામ મદિરે પહોંચી ક્રિષ્નાને કોલ કરતાં તેની પાસે આવી હતી.આવીને આગલી સીટમાં તેની બાજુમાં બેસી ગઇ હતી. કાર થોડે દૂર લેવાનું કહેતાં તેમ કર્યું હતું. એક જગ્યાએ વાડીના રસ્તે પહોંચતાં કાર ઉભી રખાવી ક્રિષ્ના પાછળની સીટ પર જતી રહી હતી. તે પણ પાછળની સીટમાં જતા રહ્યા બાદ ક્રિષ્નાએ વસ્ત્રો ઉતારવાનું શરૂ કરતાં તેણે ના પાડી હતી. 

તેવામાં બે બાઇક ઉપર ચાર શખ્સો ધસી આવ્યા હતા. જેમાંથી એક શખ્સ ક્રિષ્નાને પોતાના બાઇક પાછળ બેસાડી જતો રહ્યો હતો. બીજા ત્રણ શખ્સો તેની કારમાં બેસી ગયા હતા. રસ્તામા તેને ગડદાપાટુનો માર મારી કહ્યું કે ક્રિષ્ના અમારી ભાણેજ છે, ત્રણ દિવસથી ઘરેથી જતી રહી છે. બાદમાં આ શખ્સોને પોતાને જવા દેવાનું કહેતા ગાળો ભાંડી હતી. તે સાથે જ તેને પાછળની સીટમાં બેસાડી એક શખ્સ ડ્રાઇવીંગ સીટ પર આવી ગયો હતો. લીલાખા ગામ બાજુના રસ્તે કાર લઇ તે શખ્સોએ કહ્યું કે તારે રૂ. ૩૫ લાખ આપવા પડશે. નહીંતર મારી ભાણેજ સાથે દુષ્કર્મના કેસમાં તને ફસાવી દઇશ, જો રકમ નહીં મળે તો તને જાનથી મારી નાખશું.

જેને કારણે પોતે ડરી જતાં સગા ભાઇ પરેશ તથા પંકજને કોલ કરી દવાખાનાના કામમાં રૂપિયા આપવાના છે તેમ કહી આંગડીયું કરવાનું કહ્યું હતું. તેના ભાઇઓએ સગાઓ પાસેથી વ્યવસ્થા કરી હતી. તેને ત્રણેય શખ્સો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે લઇ ગયા હતા. જ્યાં આવેલી આંગડીયા પેઢીમાં 10 લાખનું આંગડીયું આવ્યું હતું. તે સાથે જ તે શખ્સોએ હજુ રૂપિયા મંગાવ નહીં તો તને જવા નહીં દઇએ તેમ કહેતા વધુ રૂ. 13.50 લાખનું આંગડીયું મંગાવ્યું હતું.

આ રીતે તેની પાસેથી કુલ રૂ. 23.50  લાખ પડાવી ત્રણેય શખ્સોએ તેને કહ્યું કે આ વાત કોઇને કહીશ તો બળાત્કાર કેસમાં ફસાવી બદનામ કરી નાખશું. બાદમાં તેને ગોંડલ માર્કેટ યાર્ડની બહાર કાર સોંપી ત્રણેય શખ્સો જતા રહ્યા હતાં.  સમાજમાં બદનામીના ડરથી આ વાત કોઇને કરી ન હતી. આખરે ભાઇઓને વાત કરતાં ફરિયાદ કરવાનું નક્કી કરી ફરિયાદ નોંધાવી હતી. 


Google NewsGoogle News