વડોદરામાં પ્રતાપ નગરથી વાઘોડિયા રોડ જતો રસ્તો બારેય મહિના ઉબડખાબડ : રખડતા ઢોરોનો ત્રાસ
Vadodara News : વડોદરા શહેરના પ્રતાપ નગરથી ગાજરાવાડી થઈ વાઘોડિયા રોડ તરફ જતો માર્ગ અવારનવાર ખખડધજ બનતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. આ માર્ગ ઉપર દબાણોનો રાફડો ફાટવા સાથે સુવિધાઓનો અભાવ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્માર્ટ સિટી વડોદરામાં વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉદભવ્યા છે.
વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન પ્રતિવર્ષ માર્ગો ખખડધજ થવાની ઘટનાઓ ઘટે છે. આ વર્ષે પણ વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થતાં ખાડા અને ભુવાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. અને આ કામગીરીના સમારકામ બાદ મગરની પીઠ માફક ઉબડખાબડ રસ્તાનું નિર્માણ થાય છે. કમર તોડ આવા રસ્તાઓના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. પરંતુ, પ્રતાપનગર વિહાર ટોકીઝથી ગાજરાવાડી થઈ વાઘોડિયા રોડ તરફ જતો રસ્તો બારે મહિના ઉબડખાબડ જોવા મળતો હોય છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકી તો પડે છે પરંતુ અકસ્માતોની ઘટના પણ ઘટે છે. આ રસ્તા પર રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય હોય પડતા પર પાટુ સમાન ઘાટ સર્જાય છે. તેમાય મુખ્ય માર્ગની બંને તરફ દબાણો સાથે ભારધારી વાહનોના પાર્કિંગ હોય રસ્તો સાંકડો થતાં ટ્રાફિક પણ અસરગ્રસ્ત બને છે. આમ માર્ગ ઉપર ફૂટપાથનું નામોનિશાન જોવા મળતું નથી. અને રાત પડતા જ માર્ગ ઉપર રખડતા પશુઓ અડીંગો જમાવે છે. સફાઈનો પણ અભાવ હોય માર્ગ ઉપર ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળે છે. આમ વાહન ચાલકો સાથે સ્થાનિક રહીશો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.