Get The App

સૌરાષ્ટ્રભરમાં વલ્લભાચાર્યજી મહાપ્રભૂજીના પ્રાગટયોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ

Updated: May 4th, 2024


Google NewsGoogle News
સૌરાષ્ટ્રભરમાં  વલ્લભાચાર્યજી મહાપ્રભૂજીના પ્રાગટયોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ 1 - image


કીર્તનની રમઝટ સાથે જામનગર, ધ્રોલ, જસદણ, કંડોરણામાં આનંદોત્સવ : પ્રભાતફેરી,શોભાયાત્રા, નંદ મહોત્સવ, તીલક દર્શન, મહાપ્રભુજીને ધોતી ઉપરણા, આરતી રાજભોગ સહિતના અનેકવિધ કાર્યક્રમ

રાજકોટ, : સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વલ્લભાચાર્ય જન્મજયંતીની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગામેગામ હવેલીઓમાં વધાઈ કીર્તન, પ્રભાતફેરી, શોભાયાત્રા,તીલક દર્શન, મહાપ્રભુજીને ધોતી વસ્ત્ર અર્પણ, ઉપરાણા આરતી રાજભોગ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. જસદણ, જામનગર, ધ્રોલ, ઉપલેટા સહિતના શહેરોમાં જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા.

જામનગરમાં મહાપ્રભુજીના 547માં પ્રાગટયોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સવારે મોટી હવેલીથી પ્રભાતફેરી યોજવામાં આવી હતી. જે મહાપ્રભુજીની બેઠકે પુરી થઈ હતી. એ પછી પરિક્રમા યોજવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. સાંજે છ વાગ્યે મોટી હવેલીથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે વિવિધ માર્ગો પર ફરી હતી. 

જસદણની શ્રીનાથજી હવેલીમાં મહાપ્રભુજીના પ્રાગટયોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. એક વૈષ્ણવ દ્વારા ઠાકરોજીને સોનાના બંગલા ધરાવવામાં આવ્યા હતા. અને પુષ્ટિ ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ. નંદ મહોત્સવ, તીલક દર્શન, મહાપ્રભુજીને ધોતી ઉપરણા, આરતી. રાજભોગ દર્શન બાદ વૈશ્ણવો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત વધાઈ કીર્તનો કરવામાં આવ્યા હતા. 

ધ્રોલમાં વલ્લભાચાર્યજી પ્રાગટયોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિતે ગોવર્ધનનાથજીની હવેલીથી શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી. જેે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી. એ પછી હવેલીએ આવી પુરી થઈ હતી. હવેલીએ વૈષ્ણવો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ.રાત્રે કીર્તન મનોરથ યોજાયો હતો. અને વૈષ્ણવોને ઉપરણા પહેરાવવામાં આવ્યા હતા.  


Google NewsGoogle News