કોસાડ ઔદ્યોગિક વસાહતોમાં પાવર ટ્રીંપીંગથી મશીનના પાર્ટને નુક્સાન થાય છે
-પ્રોડકશનને મોટી અસર ઉપરાંત એમ્બ્રોઇડરી મશીનો સળગી ઉઠે અથવા તો નકામા થઇ જાય છે
સુરત,બુધવાર
કોસાડ રોડ વેદાંત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને આસપાસની દસેક જેટલી ઔદ્યોગિક વસાહતો છે. વસાહતોમાંના કારખાનેદારો વિજળીની સમસ્યાથી સૌથી વધુ ત્રસ્ત છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે પ્રોડક્શનને મોટી અસર થઈ રહી છે.
વારંવાર વિજળી ખોટકાઈ જવાને કારણે ઉત્પાદનને અસર તો થાય છે. પરંતુ મશીનરીને પણ નુકસાન થઈ રહ્યું છે. એમ્બ્રોઇડરી મશીનના ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ સળગી જવાના કે નકામા થઇ જવાનું પણ વારંવાર બને છે. આથી રીપેરીંગ માટે નાણાં ખર્ચવા પડે છે. દિવસ અને રાત્રે વિજળી ખોટખાઈ જાય ત્યારે ઓછામાં ઓછાં દોઢથી બે કલાક સુધી મશીનો બંધ થઈ જાય છે.
આ વિસ્તારના કારખાનેદારોની આ સમસ્યા છેલ્લાં ચાર પાંચ વર્ષથી છે. હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. કાપોદ્રા સ્થિત ડીજીવીસીએલની કચેરીને આ મુદ્દે 3થી 4 વખત રજૂઆત સોસાયટીએ ભેગાં મળીને કરી છે, એમ ટેક્સટાઇલ એકમ ચલાવતાં એક કારખાનેદારે વાતચીતમાં જણાવ્યું હતું. આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવે એવું કારખાનેદારો ઇચ્છે છે.
ઔદ્યોગિક વસાહતમાં એમ્બ્રોઇડરી સહિતના વિવિંગના એકમો છે. અત્યારે તહેવારોના સિઝન શરૃ થઈ રહ્યાં હોવાથી કાપડ બજારના વેપારીઓ તરફથી જોબવર્ક આપવામાં આવી રહી છે. પરંતુ વિજળીના ધાંધિયાને કારણે ઉત્પાદન મેળવી શકાતું નથી. કારીગરો ફિક્સ પગારે હોવાથી ખર્ચો ઊભોને ઉભો રહે છે. વળી કારખાનાદારોના માથે મશીનના હપ્તા ભરવાનું પણ ટેન્શન છે.