ગુજરાતમાં વધુ એક બ્રિજમાં ગાબડાં, પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં, તંત્રનો કપચી નાંખીને સંતોષ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
Potholes in surat Cable bridge


Potholes in bridges in Gujarat: ગુજરાત સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરીને બ્રિજનું નિર્માણ કરતી હોય છે, પરંતુ આ બ્રિજ બનાવવાની કામગીરીમાં વિશાળ નાણાભંડોળ ખર્ચ કરવા છતાં બાંધકામ માટે યોગ્ય ગુણવત્તાવાળી માલ-સામગ્રી ઉપયોગમાં લેવાતી નથી. પરિણામ સ્વરૂપે નિર્માણ થયાના ટૂંકા સમયગાળામાં જ બ્રિજ તૂટી પડવાની કે તેના પર ગાબડાં પડવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. હાલ સુરતમાંથી આ પ્રકારની જ એક ઘટના સામે આવી છે. અહીં સુરત શહેરની ઓળખ તરીકે ગણાતા કેબલ બ્રિજમાં ગાબડાં પડવાની ઘટના સામે આવી છે. વર્ષ 2018માં રૂપિયા 145 કરોડના મસમોટા ખર્ચે નિર્માણ કરાયેલો કેબલ બ્રિજ ત્રણ દિવસના વરસાદમાં જ ધોવાઇ ગયો છે. નવી ટેક્નોલોજી સાથે બનેલા બ્રિજની છ વર્ષમાં જ દયનિય હાલત થતાં પ્રજાના પૈસા પાણીમાં ગયા હોય તેવી સ્થિતિ જણાઇ રહી છે.

વાહનચાલકોને વેઠવી પડે છે હાલાકી

ઉલ્લેખનીય છે કે, સુરતના કેબલ બ્રિજ પરથી વહેલી સવારે લાખોની સંખ્યામાં લોકો નોકરી-ધંધા પર જતા હોય છે. આ બ્રિજથી દરરોજ આઠ લાખ લોકો પસાર થતાં હોવાનું અંદાજ છે, પરંતુ ખાડાના કારણે અહીં લોકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ રહી છે.  

ચોમાસું શરૂ થતાં જ વિવિધ બ્રિજ ધોવાયા 

ઉલ્લેખનીય છે કે, ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ રાજ્યભરમાંથી આ પ્રકારની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ગત 25 ફેબ્રુઆરી, 2024ના રોજ PMએ ઉદ્ધાટન કરેલા દ્વારકાના સિગ્નેચર બ્રિજનો પણ સમાવેશ થાય છે. અંદાજે 978 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં ત્રણ જગ્યાએ સળિયા દેખાવા લાગ્યા હતાં અને અમુક જગ્યાએ સાઈડની દીવાલમાં પ્લાસ્ટર ઊખડી ગયેલું જોવા મળ્યું હતું. આ ઉપરાંત રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર લિંમડી પાસે આવેલા ઓવરબ્રિજમાં પણ 8થી 10 ફૂટ લાંબું ગાબડું પડ્યું હતું અને સળિયા પણ દેખાવા લાગ્યા હતા. અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના ખાંભા-મહુવા હાઇવે ઉપર આવેલા બ્રિજ પર પણ તિરાડો પડતા ભયજનક સ્થિતિ સર્જાઇ છે. હવે સુરતના બ્રિજમાં ગાબડાં પડતાં સરકારની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.

નવી ટેક્નોલોજીના ધજાગરા ઉડ્યા

કેબલબ્રિજ પર ખાડા ન પડે આ માટે નવી ટેક્નોલોજીથી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જ્યારે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો, ત્યારે બ્રિજ કેટલું હેવી લોડ લઈ શકે તે માટે ત્રણ વાર ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. પણ સુરતમાં પડેલા વરસાદના કારણે આ બ્રિજ પર ખાડા પડી ગયા છે. જે બાદ બ્રિજમાં વાપરવામાં આવતી માલ-સામગ્રીને લઇને પણ પ્રશ્નો ઊભા થયા છે. બ્રિજ પર પડેલા ખાડાના કારણે ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ રહી છે, ત્યારે મનપા અને બ્રિજ નિર્માણ કરવા ઉપયોગમાં લેવાયેલી નવી ટેક્નોલોજીની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.

પાલિકાએ કપચી નાખી સંતોષ માન્યો

દર વર્ષે બ્રિજનું સમારકામ અને રિપેરિંગ કામની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે, છતાં કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજનું સમારકામ યોગ્ય રીતે ન કરાતાં પ્રજામાં રોષની લાગણી વ્યાપી છે. બ્રિજના શરૂઆતના ભાગમાં જ મોટા ખાડા પડતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 20 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે. દરમિયાન બ્રિજ પર ખાડા પડતા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ બ્રિજનું યોગ્ય સમારકામ કરાવવાના સ્થાને ત્યાં માત્ર કપચી નાખીને સંતોષની લાગણી અનુભવી રહ્યા છે. 


Google NewsGoogle News