Get The App

ડાકોરમાં 21 લાખના ખર્ચે બનેલા RCC રોડ પર 15 દિવસમાં ખાડાં, સ્થાનિકોની આંદોલનની ચીમકી

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
ડાકોરમાં 21 લાખના ખર્ચે બનેલા RCC  રોડ પર 15 દિવસમાં ખાડાં, સ્થાનિકોની આંદોલનની ચીમકી 1 - image


Dakor Road News | ડાકોરના પુનિત આશ્રમ પાસે 21 લાખના ખર્ચે બનાવેલા 150 મીટર આરસીસી રોડમાં 15 દિવસમાં જ કપચી ઉખડી જવા સાથે ખાડાં પડી ગયા છે. ત્યારે ચીફ ઓફિસરને કામ કરનારી એજન્સીનું નામ પણ ખબર નથી. રોડ ફરીથી નહીં બનાવાય તો સ્થાનિકોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. ડાકોર નગરના વિકાસના કામોના ટેન્ડરિંગના ભાગરૂપે ડાકોરના પુનિત આશ્રમ પાસેનો 150 મીટર આરસીસી રોડ 21 લાખના ખર્ચે 15 દિવસ પહેલા બનાવવામાં આવ્યો હતો. જેમાં હાલ કપચી ઉખડી જવા સાથે ખાડાઓ પડી ગયા છે.

આ કામ બાબતે આસપાસની સોસાયટીના રહીશોએ વારંવાર રજૂઆતો ડાકોર પાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરને કરી હોવા છતાં રોડનું કામ ચાલું હતું ત્યારે એક પણ વખત સ્થળ તપાસ માટે કે મટિરિયલ ચકાસણી માટે ફરક્યા ન હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. ડાકોર પાલિકા વિસ્તારમાં રોડ, પાણી, ગટરના કામો બાબતેની ફરિયાદો મુખ્યમંત્રી સુધી કરવામાં આવી હોવા છતાં પાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે આરસીસી રોડ ફરી રિનોવેટ કરી ખાડાં નહીં પૂરાય તો જય બંગલોઝ સોસાયટીના રહીશોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

આ બાબતે ડાકોર પાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ રોડ રિ-સર્ફેસિંગની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો છે. એજન્સી કઈ છે તેની જાણ નહીં હોવાથી એન્જિનિયરને પૂછવા જણાવ્યું હતું. ત્યારે એન્જિનિયર સિદ્ધાર્થે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. ત્યારે એન્જિનિયર ઓફિસમાં બેસીને કાગળો પર જ કામ કરતા હોવાનું અને સાઈટ પર સ્થળ તપાસ કરવા નહીં આવતા હોવાના સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે.

Google NewsGoogle News