વડોદરા જિલ્લામાં વરસાદ અને પૂરના લીધે રોડ પર પડેલા ખાડાઓનું પુરાણ કામ ત્રણ દિવસમાં પૂરું થશે
Vadodara Corporation : વડોદરા જિલ્લામાં પૂર પ્રકોપના કારણે માર્ગો ઉપર પડેલા ખાડા પૂરવા માટે ચાલી રહેલી કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. જિલ્લામાં ત્રણેક દિવસમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે. હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા 90 ટકા જેટલું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ની વડોદરા ગ્રામ્યની કચેરી હેઠળ કુલ 58 જેટલા માર્ગો છે. તેમાં 41 સ્ટેટ હાઇવે, 15 મેજર ડિસ્ટ્રીક્ટ રોડ અને 3 અધર ડિસ્ટ્રીક્ટ રોડ છે. આ માર્ગોની કુલ લંબાઇ 920 કિલોમિટર જેટલી છે. ચોમાસા દરમિયાન અતિભારે વરસાદના પરિણામે આ માર્ગોમાં કેટલાક સ્થળે પાણી ભરાતા ખાડા પડયા હતા. ખાડાનું પુરાણ તાત્કાલિક કરવા સરકાર તરફથી સૂચના મળતા વડોદરા જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગો રીપેર કરવા માટે તાકીદની કામગીરી ઉપાડવામાં આવી હતી.
કાર્યપાલક ઇજનેરે કહ્યું હતું કે અત્યાર સુધીમાં અંદાજે 820 કિલોમિટરની લંબાઇના માર્ગો ઉપર પડેલા ખાડા પૂરવામાં આવ્યા છે. એ પ્રમાણ જોતા 90 ટકા કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. હવે માત્ર પાંચ જેટલા રોડ ઉપર જ ખાડા પૂરવાનું કામ બાકી છે. વડોદરાથી ડભોઇ, વાઘોડિયા, દુમાડથી સાવલી તરફ સહિતના પાંચ માર્ગોનું રીપેરીંગ કામ ડિફેક્ટ લાએબિલિટી પિરયડ હેઠળ જે તે એજન્સી પાસે કરાવવામાં આવ્યું છે. બીજી બાજુ વડોદરા શહેરમાં પણ ભારે વરસાદના કારણે રોડ પર મોટા ખાડાઓ પડી ગયા હતા અને ગઈ તારીખ 30 ઓગસ્ટ થી અત્યાર સુધીમાં 10,380 થી વધુ ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું છે.