અમે નહીં તસવીર બોલે છે: આ છે સુરતનો નંબર 1 ભુવો, આ રીતે પૂરું થશે સિંગાપોર બનાવવાનું સપનું?
Surat Municipal Corporation: સુરત મહાનગર પાલિકા દ્વારા વર્ષે દહાડે કરોડો રૂપિયાનું આંધણ રોડ-રસ્તા પાછળ કરવા છતાં ભ્રષ્ટાચારના પાપે જર્જરિત રસ્તાઓ કાયમી સમસ્યા બની ચૂક્યા છે. આટલું ઓછું હોય તેમ હવે તો સુરત મહાનગર પાલિકાને ભુવા નગરીનું બિરૂદ મળે તેમ છાશવારે સર્જાતા ભુવાને કારણે વાહન ચાલકોના માથે જીવનું જોખમ ઊભું થવા પામ્યું છે. આજે સવારે અઠવા લાઇન્સ ખાતે ભુવો પડતાં વહીવટી તંત્ર દોડતું થયું હતું. અલબત્ત, પીક અવર્સમાં ભુવાને કારણે ભારે ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા હાલમાં ભુવાના સમારકામ માટેની યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરી છે.
સુરતને સિંગાપોર બનાવવાના દિવાસ્વપ્નમાં રાચતાં શાસકોની લાપરવાહીને પગલે વહીવટી તંત્ર બેફામ બન્યું હોય તેમ જણાઈ રહ્યું છે. આ વર્ષે ચોમાસાના પ્રારંભ સાથે જ શહેરના મોટા ભાગના રસ્તાઓ ખખડધજ બનતાં છાશવારે અકસ્માતોની ઘટનાઓ અને વાહન ચાલકોથી માંડીને રાહદારીઓની હાલાકી જગજાહેર થઈ ચૂકી છે. તૂટેલા અને જર્જરિત થઈ ચૂકેલા રસ્તાઓને કારણે લોકોના રોષને ધ્યાને રાખીને એક તબક્કે શાસકો દ્વારા વહીવટી તંત્રને તાકિદના ધોરણે રસ્તાઓ સમારકામ કરવા માટેનું અલ્ટીમેટમ આપ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી ટોળાનો આતંક, ઉઘાડી તલવાર અને હથિયાર સાથે સોસાયટીમાં ઘૂસી કરી તોડફોડ
જો કે, વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓના સમારકામમાં પણ વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપો ઊભા થયા છે. આ સ્થિતિમાં ચોમાસાની વિદાય બાદ પણ શહેરમાં ભુવો પડતાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે. શહેરનાં અઠવા લાઇન્સ ખાતે આજે વિશાળ ભુવો પડતાં વાહન ચાલકોને ભારે ટ્રાફિકજામનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિકજામ વચ્ચે ભુવો પડ્યો હોવાની જાણ થતાં જ વહીવટી તંત્રનો કાફલો પણ ઘટના સ્થળે ઘસી ગયો હતો.