ખંભાતમાં ડ્રગ્સનુ સંભવિત રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ઝડપાયું, તમામ આરોપી 6 દિવસના રિમાન્ડ પર
- ઊંઘની દવાનો ડ્રગ્સ તરીકે વેપલો કરનારા 6 ની ધરપકડ
- 24 કલાકના એટીએસના ઓપરેશનમાં સ્થાનિક 5 યુવકોને પકડયા, ખરીદી કરનાર અજય જૈનને ઇન્દોરથી પકડી લેવાયો
કોર્ટમાં પોલીસે આરોપીઓના ૧૧ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પોલીસનું માનવું છે કે, લાયસન્સ વગર જ અલ્પેઝઓલામનું ઉત્પાદન કરવાના ગુનામાં પકડાયેલા આરોપીઓ અને તેની ખરીદી માટે રૂ. ૩૦ લાખ એડવાન્સ આપનાર ઇન્દોરના રહીશ દેશ વ્યાપી નેટવર્ક ઉભુ કરી અથવા તો આવા કોઈ નેટવર્કનો ભાગ હોય શકે છે. આ દરોડામાં જપ્ત કરવામાં આવેલી ૧૦૭ કિલો પ્રતિબંધિત દવામાંથી ૪૨ કરોડ જેટલી ટેબલેટ બની શકે એમ હતી. આ ઉપરાંત, વધારે અલ્પ્રેઝોલામ બનાવી શકાય એ માટે કાચામાલ તરીકે વપરાતા કેમિકલ્સનો ૨,૫૧૮ જથ્થો પણ જપ્ત થયો છે. એટીએસે જણાવ્યું હતું કે ફેક્ટરીમાં રૉ-મટિરિયલમાંથી ડ્રગ્સ બનાવી મધ્યભારતમાં અલ્પ્રાઝોલમ ડ્રગ્સ પહોંચાડવામાં આવતું હોવાનું શખ્સોની પૂછપરછમાં ખૂલ્યું હતું. ખંભાતના પાંચમાંથી એક શખ્સની ટ્રેડિંગ કંપની છે, જ્યારે બે શખ્સો અગાઉ ખંભાતની ફાર્મા કંપનીમાં નોકરી કરતા હતા ત્યારે બાકીના બે શખ્સોના પરિચયમાં આવ્યા હતા.
ખંભાતના નેજા ગામે સોખડા જીઆઈડીસીમાં આવેલી ગ્રીન લાઈફ ઈન્ડસ્ટ્રીઝમાં કેટલાક શખ્સો ગેરકાયદે અલ્પ્રાઝોલમ ડ્રગ્સ બનાવતા હોવાની બાતમીના આધારે ગુજરાત એટીએસએ ગુરૂવારે કંપનીમાં દરોડો પાડયો હતો. એટીએસએ વહેલી સવારથી ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા ૧૦૭ કિલો અલ્પ્રાઝોલમ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ૨૫૧૮ કિલો અન્ય કેમિકલ તેમજ અજય જૈન તરફથી મળેલા રૂ.૩૦ લાખ જપ્ત કર્યા હતા. એટીએસએ મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતેથી રણજીત ડાભી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણા (તમામ રહે. ખંભાતની) અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ફેક્ટરીમાં અલ્પ્રોઝલમ ડ્રગ્સ બનાવી મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતા અજય જૈનાને વેચતા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું.