નાગનેશ બ્રાન્ચના પોસ્ટ માસ્તરે 11 ખાતા ધારકોએ જમા કરાવેલ રૂ. 4.80 લાખની રકમની ઉચાપત કરી
- બોટાદ જિલ્લાના ચુડા ગામની સબ પોસ્ટ ઓફિસ તાબેની
- જૂની પાસબુકમાંથી બોગસ પાસબુક બનાવી : પોસ્ટ વિભાગની તપાસમાં ભાંડો ફૂટતા પોસ્ટ માસ્તર વિરૂદ્ધ રાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો
આ અંગે મળતી વિગત અનુસાર બોટાદ જિલ્લાની ચુડા સબ પોસ્ટ ઓફિસ તાબેની નાગનેશ બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા પ્રવીણ કમાભાઈ મેણીયા ( રહે.મૂળ ભાથરિયા,તા.લખતર, જિ.સુરેન્દ્રનગર ) એ પોસ્ટ માસ્ટર નાગનેશ બ્રાન્ચમાં તા.૧૫/૦૫/૨૦૧૮ થી તા.૧૬/૦૭/૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકેની ફરજ હોવા છતાં તેમને જે ખાતા ધારક ગ્રાહકોએ તેમના ખાતામાં જમા કરાવવા માટે આપેલ રકમ જે તે દિવસે બ્રાન્ચ પોસ્ટ ઓફિસના હિસાબમાં જમા લઈને સરકારી ખાતે પૈસા જમા કરાવવાને બદલે તેમના અંગત ઉપયોગ માટે લઈ સરકારી નાણાની કાયમી ઉચાપત કરી હોવાનું પોસ્ટ ખાતાની તપાસ દરમિયાન ખોલવા પામ્યું હતું. આ તપાસમાં બ્રાન્ચ પોસ્ટ માસ્તર પ્રવીણ મેણીયાએ પોસ્ટ ઓફિસ બેંક એકાઉન્ટના ૦૪ ખાતાધારકોના રૂ. ૧,૫૯,૦૦૦ પોસ્ટ ઓફીસ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ (એક વર્ષ) સ્કીમમાં ૦૪ ખાતા ધારકોના રૂ.૨,૦૦,૦૦૦ તેમજ પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ (પાંચ વર્ષ) સ્કીમના ૦૩ ખાતાધારકો પાસેથી મેળવેલ રૂ.૧,૨૧,૦૦૦ મળી કુલ ૧૧ ખાતાધારકો પાસેથી મેળવેલ રૂ.૪,૮૦,૦૦૦ રોકડા બ્રાન્ચ ઓફિસના હિસાબમાં જમા લઈ સરકારી ખાતે જમા કરાવવાના બદલે પોતાના અંગત ઉપયોગ માટે મેળવી લઈ સરકારી નાણાની કાયમી ઉચાપત કરી હતી. બ્રાન્ચ પોસ્ટ માસ્ટર પ્રવિણ મેણીયાએ પોતાની ફરજ દરમિયાન પોતાની તથા બીજા ગ્રાહકોની જૂની પાસબુકના આગળના પાના ફાડી બોગસ ટી.ડી.ની પાસબુક બનાવી તેને સાચા તરીકે વાપરી ખોટી સહીઓ કરી આ ઉચાપત કરી હોવાનું પોસ્ટ વિભાગની ખાતાકીય તપાસમાં ખુલ્યું હતું. આ મામલે અધિક્ષક ડાકઘર, સુરેન્દ્રનગર વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે લેખિત આદેશ થતા લીમડી સબ ડિવિઝનના સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર ( પોસ્ટ )એ નાગનેશ બ્રાન્ચ પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટ માસ્તર પ્રવીણ કમાભાઈ મેણીયા વિરુદ્ધ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૯,૪૬૫,૪૬૮ અને ૪૭૧ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.