એમ.એસ.યુનિ.ના આગામી વીસીની નિમણૂકમાં વિલંબ થવાની શક્યતા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલરની નિમણૂંક માટે બનાવવામાં આવેલી સર્ચ કમિટિની કાર્યવાહી જે ગતિએ ચાલી રહી છે તે જોતા યુનિવર્સિટીને નવા વાઈસ ચાન્સેલર મળવામાં વિલંબ થશે તેવી અટકળો શરુ થઈ છે.
યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવની મુદત આમ તો તા.૯ ફેબુ્રઆરીએ પૂરી થતી હતી પરંતુ તેમને તે પહેલા જ શૈક્ષણિક લાયકાતના મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરતા રાજીનામુ આપવાની પરજ પડી હતી.અત્યારે યુનિવર્સિટીનું સંચાલન ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલ કરી રહ્યા છે.
બીજી તરફ નવા વાઈસ ચાન્સેલરની નિમણૂક માટેની સર્ચ કમિટિ દ્વારા ગત મહિને ઉમેદવારો પાસે બાયોડેટા મંગાવવામાં આવ્યા હતા.કુલ ૮૦ જેટલા ઉમેદવારોએ બાયોડેટા મંગાવ્યા હતા.જોકે યુનિવર્સિટી વર્તુળોમાં એવી ચર્ચા છે કે, સર્ચ કમિટિની કામગીરી સાવ ધીમી ગતિએ ચાલી રહી છે.બાયોડેટા મંગાવ્યા બાદ સર્ચ કમિટિની એક જ બેઠક મળી છે અને હજી સુધી તો બાયોડેટા મોકલનારા ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કરવાની કાર્યવાહી પણ થઈ નથી.હવે પછીની બેઠક ક્યારે મળશે તે પણ નક્કી નથી.આ સંજોગોમાં તા.૯ ફેબુ્રઆરીની મુદત પહેલા નવા વાઈસ ચાન્સેલરની નિમણૂક થાય તેવી શક્યતા ઓછી છે.
જોકે આ વિલંબના કારણે યુનિવર્સિટીને સહન કરવાનું આવી શકે છે.એમ પણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નોનો ઉકેલ આવી રહ્યો નથી અને ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પાસેની મર્યાદિત સત્તાઓને જોતા નિયમિત વાઈસ ચાન્સેલરની નિમણૂક વહેલી તકે થાય તે યુનિવર્સિટીના હિતમાં છે.
દરમિયાન સર્ચ કમિટિની બેઠક અંગે પૂછવામાં આવતા રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ તેના પર કશું પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો.
૯ ફેબુ્રઆરી પહેલા નવા વીસીની નિમણૂક કરવી પડે તે જરુરી નથી
સર્ચ કમિટિના ચેરમેન અનિશ માકડે કહ્યું હતું કે, યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલરની મુદત ૯ ફેબુ્રઆરીએ પૂરી થતી હતી પરંતુ તે પહેલા નવા વાઈસ ચાન્સેલરની નિમણૂક કરવી જ પડે તેવો કોઈ નિયમ નથી.ઉપરાંત સર્ચ કમિટિની જે કાર્યવાહી છે તે ગુપ્ત રહે તે જરુરી છે અને તેના પર વધારે જાણકારી આપવી શક્ય નથી.સર્ચ કમિટિના બાકીના સભ્યો પણ અલગ રાજ્યના છે અને તેમની અનુકુળતા પણ જોવાની હોય છે.કમિટિ દ્વારા બાયોડેટા ચોક્કસપણે શોર્ટ લિસ્ટ કરાશે અને તે પછી આગળની કાર્યવાહી કેવી રીતે કરવી તેનો નિર્ણય ચર્ચા કર્યા બાદ લેવાશે.