પોષી પૂનમ : અંબાજી ખાતે માં અંબાને સવા પાંચ લાખના સોનાથી મઢેલી સાડી પહેરાવાઈ
અંબાજી ખાતે માં અંબાનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો, હાથીની અંબાડી પર માં અંબાની શોભાયાત્રા યોજાઈ
ભાવિક ભક્તોને ૧,૬૦૦ કિલો બુંદી પ્રસાદ અને ૨૧૦૦ કિલો સુખડી પ્રસાદનું વિતરણ કરાયું
પાલનપુર, અંબાજી, તા.06 જાન્યુઆરી-2023, શુક્રવાર
બનાસકાંઠા જિલ્લામાં આવેલ શક્તિ, ભક્તિ અને આસ્થાના પ્રતીક સમા પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આજે તા.૬ જાન્યુઆરી-૨૦૨૩ના રોજ જગતજનની માં અંબાનો પ્રાગટ્ય દિવસ પોષી પૂનમ ધામધૂમથી ઉજવાયો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજી દ્વારા પોષી પૂનમની ઉજવણી માટે શોભાયાત્રા- જ્યોતયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરાયું. માં અંબાના પ્રાગટય દિવસે માં અંબાના આશીર્વાદ મેળવવા મંદિર ટ્રસ્ટ દ્વારા સૌ માઇભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. મા અંબા સવા પાંચ લાખની જાજરમાન સોનેથી મઢેલ સાડીમાં શોભાયાત્રામાં સવાર થઈ નગરચર્યાએ નીકળી હતી. માતાજીએ ભક્તોને સામે ચાલીને દર્શન આપ્યા હતા. મંદિરના શક્તિદ્વારથી સવારે 11 કલાકે આરતી ઉતારી ૩૦ જેટલી અવનવી ઝાંખીઓ તથા હાથી, ઘોડા, ઉંટ અને પાલખી સાથે બાળકોની વેશભૂષા આકર્ષણ જમાવ્યું હતું.
ભાવિક ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ
માં અંબાના પ્રાગટય દિવસે દર્શનાર્થે આવતા યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને શ્રધ્ધાળુ ભાવિક ભક્તોમાં અંબાના ઉત્સવને માણી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ. પોષી પૂનમ માં અંબાનો પ્રાગટય દિવસ હોઈ તેને અનુરૂપ વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જે અંતર્ગત ગબ્બરથી મંદિર સુધીના માતાજીના ચાચર ચોક સુધી જયોત યાત્રા યોજાઈ.
માં અંબાની ભવ્ય શોભાયાત્રાનો ભક્તોએ લહાલો લીધો
અંબાજી નગરમાં હાથીની અંબાડી પર માં અંબાની ભવ્ય શોભાયાત્રા કઢાઈ, જેમાં ૧,૬૦૦ કિલો બુંદી પ્રસાદ અને ૨,૧૦૦ કિલો સુખડી પ્રસાદ ભાવિક ભક્તોને વિતરણ કરાયું હતું. શોભાયાત્રામાં ૨૫ થી ૩૦ જેટલા ટેબ્લોઝ દ્વારા વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન જોવા મળ્યું હતું. તો અંબાજી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા શક્તિની ઉપાસના અને આરાધનાનું મહત્વ દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા. ઉપરાંત માં અંબાના મહાશક્તિ યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં ૫૦ જેટલા યજમાનો ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.
પોષી પૂનમ એટલે માં અંબાનો પ્રાગટ્ય દિવસ
ઉલ્લેખનીય છે પોષી પૂનમ એ માં આંબાનો પ્રાગટય દિવસ હોઈ ધાર્મિક દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ રહેલું છે. માં અંબાના પ્રાગટય દિવસને ઉલ્લાસભેર ઉજવવા માઇભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે. જેને લીધે આ દિવસે માં અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભાવિક ભક્તો ઉમટી પડે છે.
મા અંબાના પ્રાગટ્યોત્સવની સાથે સાથે
- ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞનું આયોજન અને આહુતિ અપાઈ
- અંબિકા ભોજનાલયમાં માઈભક્તો મીષ્ઠાન સાથે ભોજન રૂપી પ્રસાદી નિઃશુલ્ક અપાયું.
- મંદિરના શીખરે વિવિધ સંધો દ્વારા ધજાઓ ચઢાવાઈ
- વિવિધ શાકભાજીનો અન્નકૂટ ભરાયો
- પોષી પૂનમના યાત્રિકોનો પ્રવાહ અને સલામતી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો
- ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને શોભાયાત્રાને અડચણ ન થાય તે માટે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હતી
- લાખો માઈભક્તો કોરોનાના કારણે બે વર્ષ ન આવી શકતાં આ વખતે થનગનાટ જોવા મળ્યો હતો.