Get The App

રાપર અને ગાગોદરમાં જીરૂ-એરંડા સાથે બે ખેતરોમાંથી પોશડોડાની ખેતી ઝડપાઈ

Updated: Mar 12th, 2025


Google News
Google News
રાપર અને ગાગોદરમાં જીરૂ-એરંડા સાથે બે ખેતરોમાંથી પોશડોડાની ખેતી ઝડપાઈ 1 - image


એક ખેતરમાં દરોડા બાદ બીજા ખેતરની પણ બાતમી મળી 

સૂકા અને વનસ્પતિ મળી કુલ ૩.૪૧ લાખનો ૧૦૦ કિલોથી વધુ પોશડોડાનો જથ્થો મળ્યો, ૧ ઝડપાયો, ૨ હાજર ન મળ્યા 

ગાંધીધામ: ૫ૂર્વ કચ્છ પોલીસ દ્વારા અવારનવાર ગાંજો, અફીણ, ડ્રગ્સ સહિતના માદક પદાર્થ ઝડપી લેવામાં આવે છે. ત્યારે વાગડમાં પ્રથમ વખત રાપર પોલીસે ગેડી ગામેથી પોશડોડાની ખેતી ઝડપી પાડી છે. એરંડા- જીરૂના પાકની આડમાં માદક પદાર્થની ખેતી કરવામાં આવતી અને તેનું સ્થાનીકે વેચાણ કરવામાં આવતું હોવાનું સપાટી પર આવ્યું છે. નવાઈની વાત એ છે કે રાપર પોલીસ જ્યારે ખેતરમાં દરોડો પાડી પોશડોડા ઉખેડી રહી હતી ત્યારે નજીકમાં જ ગાગોદર પોલીસની હદમાં પણ પોશડોડાની ખેતી થતી હોવાની બાતમી મળતા રાપર અને ગાગોદર પોલીસે સાથે મળી કુલ ૩.૪૧ લાખનો પોશડોડાનો જથ્થો ઝડપી લીધો હતો. આ દરોડામાં ૧ આરોપી હાથમાં આવી ગયો હતો જ્યારે ૨ આરોપીઓ પોલીસના હાથમાં આવ્યા ન હતા. 

આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ રાપર તાલુકાના ગેડી ગામે રહેતા પરબત પાંચાભાઈ સીંધવ (રજપુત) એ પોતાના ઘરે વેચાણ માટે પોશડોડાનો જથ્થો રાખ્યો હોવાની બાતમી આધારે રાપર પીઆઈ જે. બી. બુબડીયા અને તેમનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પરબતના ઘરે દરોડો પાડતા પોશડોડા મળી આવ્યો હતો. અહીંથી ૬૦,૪૪૦ નો પોશડોડાનો જથ્થો કબજે કરાયો હતો. બાદમાં પુછપરછ કરતા તેણે કબુલાત આપી કે, ગેડી ગામે શંભુજી વાઘેલાની ખેતીની જમીન સારંગીયા નામથી આવેલી છે. જે ડેમની બાજુમાં છે અને પોતે વાવવા માટે રાખેલી છે. તેમાં પોશડોડાનું વાવેતર કર્યું હતું. જે પૈકી અમુક જથ્થો ગામના વિશા મહાદેવાભાઈ રાઠોડ (રજપુત)ને આપ્યો હતો. જેથી વિશાના ઘરે દરોડો પાડવામાં આવ્યો ત્યાંથી ૧૭.૮૦ કિલો માદક પદાર્થ કબજે કરવામાં આવ્યું હતું. બાદમાં ખેતરમાં દરોડો પાડયો હતો. મધરાત્રે બે વાગ્યે પોલીસ ટુકડી ખેતરમાં પહોંચી હતી. આ ખેતરમાં જીરૂ-એરંડાનો પાક હતું,  જેમાં વચ્ચે વચ્ચે પોશડોડાનું વાવેતર કરેલું હતું. અહીંથી છોડવા કબજે કરાયા હતા. સવારે ચાર વાગ્યા સુધી ચાલેલી કાર્યવાહીના અંતે પોલીસે પોશડોડા, વનસ્પતિ જન્ય પાંદડા અને ડાળખા વગેરે મળી ૨,૮૭,૫૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પરબત પાંચા સીંધવની ધરપકડ કરાઈ હતી, જયારે વિશા મહાદેવા રાઠોડ હાજર મળી આવ્યો ન હતો. આ કાર્યવાહી દરમિયાન જ રાપર પોલીસને ફરી બાતમી મળી હતી કે, ગાગોદર પોલીસની હદમાં આવતા ગેડી ગામની કુયારા વાડી વિસ્તારમાં પચાણ સુરા રાઠોડ (રજપુત) પણ પોતાના ખેતરમાં એરંડાની આડમાં પોશડોડાનું વાવેતર કરે છે. જે બાતમીના આધારે ગાગોદર  પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં આરોપી હાજર મળ્યો ન હતો પરંતુ રૂ. ૫૪,૦૦૦ના કિમતનો ૧૮ કિલો પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો. આમ રાપર અને ગાગોદર પોલીસે મળી કુલ રૂ. ૧,૬૬,૨૬૦ની કિમતના  ૫૫.૪૨ કિલો પોશડોડા અને રૂ. ૧,૭૫,૨૬૦ના ૫૮.૪૨ કિલો વનસ્પતિ પાંદડા અને ડાળખા મળી કુલ રૂ. ૩,૪૧,૨૫૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ૧ આરોપીને ઝડપી લીધો છે જ્યારે ૨ આરોપી પકડવાના બાકી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. 

Tags :
Poshdoda-cultivation-caught-in-two-fieldsAlong-with-cumin-and-castorRapar-and-Gagodar

Google News
Google News