અંતરિયાળ વિસ્તારોને રાહત, સંશોધકોએ સોલર એનર્જીથી ચાલતું પોર્ટેબલ વોટર ફિલ્ટર ડિઝાઈન કર્યું
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સહિત ચાર શૈક્ષણિક સંસ્થાઓના સંશોધકોએ સોલર એનર્જીથી ચાલતું પોર્ટેબલ વોટર ફિલ્ટર ડિઝાઈન કર્યું છે.જેની ડિઝાઈનને ભારતની પેટન્ટ ઓફિસે મંજૂરી પણ આપી છે.
પ્રસ્તાવિત ડિઝાઈન અનુસાર આ ડિવાઈસ ૯૯.૯% અશુદ્ધિઓ દૂર કરી શકે છે. તેમાં નાનોપાટકલ્સથી માડિફાય કરેલું ખાસ પોલિમર મેમ્બ્રેન લગાવાયું છે, જે સામાન્ય ફિલ્ટર કરતાં અનેકગણું વધું કાર્યક્ષમ છે. આ મેમ્બ્રેન પાણીમાંથી ધૂળ, માટી, જીવાણુઓ, ઝેરી અને હાનિકારક રસાયણો જેવી સૂક્ષ્મ અશુદ્ધિઓને પણ દૂર કરી શકે છે.
આ ડિવાઈસમાં ટોચ પર એક ઇન્ટિગ્રેટેડ સોલાર પેનલ લગાવાઈ છે.તેની ઊર્જા બેટરીમાં સ્ટોર થાય છે. આ બેટરીથી ઉપકરણ સતત ૩ કલાક સુધી ચાલી શકે છે.આમ સૂર્યપ્રકાશ ઉપલબ્ધ ના હોય ત્યારે પણ ઉપયોગમાં લઈ શકાય છે.તેમાં ઓટો-ક્લિનિંગ સિસ્ટમ છે. જેના દ્વારા મેમ્બ્રેન પોતે પોતાની સફાઈ કરે છે. મેમ્બ્રેન લાંબો સમય ચાલે તેવું છે અને તેને મેન્ટેનન્સની ઓછી જરુર પડે છે.
સંશોધકોની ટીમના એક સભ્ય અને એમ.એસ.યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના ડો.વિશ્વજિત ચાવડા કહે છે કે,ફિલ્ટરની બોડી વાતાવરણને સહન કરી શકે તેવી ટકાઉ પોલિમર સામગ્રીથી બનાવાઈ છે. સાઈડ પર ઇનલેટ અને આઉટલેટ પાઈપ માટે કનેક્શન છે, જ્યારે આગળ એક સરળ કંટ્રોલ પેનલ છે, જેમાં બેટરીની સ્થિતિ અને ફિલ્ટરિંગ પ્રક્રિયા દેખાઈ શકે છે. ઉપકરણમાં હેન્ડલ લગાવાયું હોવાથી તેની હેરફેર કરવી પણ આસાન છે.
આ ડિવાઈસ અંતરિયાળ વિસ્તારો, ૅજંગલ અને પર્વતીય પ્રદેશો અને આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. ઉપરાંત, સેના, રાષ્ટ્રીય રાહત દળો, અને કેમ્પિંગ કે ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર લોકો માટે પણ મદદરુપ બનશે.
સંશોધકોની ટીમમાં કોણ
એમ.એસ.યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના ડો.વિશ્વજિત ચાવડા, ડો.સંજીવ કુમાર, ડો.વૈશાલી સુથાર, ડો.દર્શના હિરપરા
એમ.એસ.યુનિવર્સિટીના ફિઝિક્સ વિભાગના ડો.નવિનભાઈ ચૌધરી તથા મેથેમેટિક્સ વિભાગના કુલદીપ ચૌધરી, જિઓલોજી વિભાગના અતુલકાંત તિવારી
જીટીયુના માનસી ગાંધી
ધારવાડની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડો.પ્રિયંકા શાહ
એનઆઈટી સિલ્ચરના ડો.સૌમ્યા મિશ્રા