વડોદરામાં MSUની સાયન્સ ફેકલ્ટીના પ્રવેશદ્વાર બહાર મૂકાયેલી પોપ્યુલેશન ક્લોક છેલ્લા કેટલાક દિવસથી બંધ
Population Clock at MSU : એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં સાયન્સ ફેકલ્ટીના પ્રવેશ દ્વાર પાસે બે વર્ષ અગાઉ મૂકવામાં આવેલી રાજ્યની પહેલી અને એક માત્ર પોપ્યુલેશન ક્લોક છેલ્લા કેટલાક દિવસથી બરાબર ફિગર દર્શાવતી નથી. વડોદરામાં અતિ ભારે વરસાદ અને પૂર બાદ આ પોપ્યુલેશન ક્લોક ડિસ્ટર્બ થઈ ગઈ છે. સ્ક્રીન પર રેડ અને ગ્રીન ફિગર વાંચી શકાય તેવા હોતા જ નથી. ફિગરને બદલે દૂરથી આડા ઉભા લીટા દેખાય છે.
છેલ્લા 25 દિવસથી આવી હાલત હોવા છતાં હજુ સુધી આ ક્લોક યુનિ. સત્તા વાળાઓને રીપેર કરવાનો સમય મળ્યો નથી. દેશની કુદકે અને ભુસકે વધી રહેલી વસતીની જાણકારી લોકો પાસે હાથવગી નથી હોતી ત્યારે આ કલોક પર દેશ અને રાજ્યની વસતીના આંકડા રાઉન્ડ ધ ક્લોક પ્રદર્શિત થતા રહે તે માટે આ ક્લોક મૂકવામાં આવી હતી. એમ.એસ.યુનિવર્સિટીમાં ચાલતા પોપ્યુલેશન રિસર્ચ સેન્ટર દ્વારા આ કલોકનું સંચાલન કરવામાં આવે છે તેમ જાણવા મળ્યું છે. વસતીમાં કેટલો વધારો થઈ રહ્યો છે અને લોકોને તેની સતત જાણકારી મળતી રહે તથા લોકોમાં જાગૃતિ આવે તે માટે કેન્દ્ર સરકારે દેશમાં જ્યાં જ્યાં પોપ્યુલેશન રિસર્ચ સેન્ટરો છે ત્યાં આ પ્રકારની પોપ્યુલેશન ક્લોક મૂકવાનો નિર્ણય અગાઉ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે પોપ્યુલેશન રિસર્ચ સેન્ટર આવેલું છે જેથી અહીં પોપ્યુલેશન ક્લોક મુકવામાં આવી છે.