સુરતને સિંગાપોર બનાવવાના પાલિકાના પોકળ દાવા : સીસી રોડ પર પડેલા ગાબડાને ડામરના થીંગડા માર્યા

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
સુરતને સિંગાપોર બનાવવાના પાલિકાના પોકળ દાવા : સીસી રોડ પર પડેલા ગાબડાને ડામરના થીંગડા માર્યા 1 - image


Surat Corporation Road Work : સુરતમાં યોજાયેલા સુરત ઇકોનોમિક રિજિયનના 'ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન'નું લોન્ચિંગ કાર્યક્રમમાં સુરતની સ્પર્ધા હવે લંડન શહેર સાથે કરવા માટેની મોટી વાતો કરવામાં આવી હતી. પરંતુ સુરત શહેરમાં હાલ રસ્તાના રીપેરીંગ માટે જે ગતકડા કરવામાં આવે છે તેના કારણે સુરતની સ્પર્ધા કયા શહેર સાથે કરવી તે અંગે અનેક અટકળો થઈ રહી છે. 

સુરતમાં ગઈકાલે યોજાયેલા સુરત ઇકોનોમિક રિજિયનના 'ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન' નું લોન્ચિંગમાં સુરત શહેર અને સુરત રીજિયન માટે મોટી મોટી વાતો કરવામાં આવી હતી. જોકે, વર્ષ 2011 થી સુરતને સિંગાપોર બનાવવા માટે ભાજપ શાસકો દાવો કરી રહ્યાં છે પરંતુ સુરત હજી સુધી મુંબઈ પણ બની શક્યું નથી. હાલમાં સુરતમાં રોડ તૂટી રહ્યા છે તેના કારણે લોકોમાં ભારે આક્રોશ છે તેથી પાલિકા તંત્ર રોડ રીપેરીંગ માટે નવા નવા ગતકડા કરી રહ્યું છે તેના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી રહી છે. શહેરમાં અનેક જગ્યાએ સીસીરોડ છે તે તૂટી ગયાં છે, પરંતુ તેને રીપેર કરવા માટે પાલિકા આશ્ચર્યજનક રીતે ડામરના મટીરીયલનો ઉપયોગ કરી રહી છે. આ ઉપરાંત અનેક ચાર રસ્તા પર પેવર બ્લોક બેસી ગયાં છે તેને ખોલીને રીપેર કરી સમથળ કરવાના બદલે ત્યાં પણ ડામર પાથરી દેવામા આવે છે. જેના કારણે રોડ સમતળ ન હોવાથી વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે. 

ગઈકાલે કોન્ફરન્સ બાદ પાલિકાના માજી વિપક્ષી નેતા બાબુ કાપડીયાએ ભાજપ શાસકોને એવી ટકોર કરી છે. આજે લંડન સમકક્ષ દક્ષિણ ગુજરાત અને સુરતને સોનાની મૂરત બતાવો રોડમેપ અને સુરતને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવાનું કહી રહ્યા છે. પરંતુ હાલમાં સુરતના રોડની જે હાલત છે તે દયનીય છે. પાલિકા સીસી રોડ અને પેવર બ્લોકને નુકસાન થયું છે તેના પર ડામર પાથરી રહી છે તો બીજી તરફ મેટ્રોની બાજુમાં ડામર રોડ તૂટ્યા હોય તો મેટ્રોના કોન્ટ્રાક્ટર સિમેન્ટનો વધેલો માલ આડેધડ નાખી દે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતને લંડન સમકક્ષ અને સુરતને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બનાવતા પહેલા આ સુધારા કરવાની જરૂર છે તેમ જણાવ્યું હતું. 


Google NewsGoogle News