ભાજપના મહિલા ઉમેદવાર પાસે 64.38 કરોડની સંપત્તિ, પિસ્તોલ હોવાનો પણ સોગંદનામામાં ખુલાસો
Lok Sabha Elections 2024: જામનગર (Jamnagar) લોકસભા બેઠકના ભાજપ (BJP)ના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમ (Poonamben Maadam) પાસે કુલ રૂપિયા 64.38 કરોડની સંપત્તિ છે સોનું, ચાંદી, હીરા, ઝવેરાત, લકઝરીયસ કાર, જમીન અને સ્થાવર મિલ્કત તથા ઓફિસનો સમાવેશ છે. આ ઉપરાંત તેમના પોતા પાસે એક પિસ્તોલ અને પતિ પાસે 3 રાયફલ છે. ઉમેદવાર પુનમબેન માડમે ઉમેદવારીપત્ર સાથે રજુ કરેલા સોગંદનામામાં પોતાની સ્વપાર્જિત સ્થાવર જંગમ મિલ્કતોની બજાર કિંમત રૂપિયા 64.38 કરોડ થાય છે. જે સામે તેના પર પતિ પાસેથી લીધેલી રૂા.18 કરોડની લોન અને અન્ય રૂપિયા 35 કરોડની જવાબદારી દર્શાવવામાં આવી છે. બે લક્ઝુરિયસ મોટરો, પોતા પાસે એક પિસ્તોલ અને પતી પાસે ત્રણ રાયફલ હોવાનું જાહેર કર્યું છે.
સોંગદનામામાં સંપત્તિની વિગતો રજૂ કરી
જામનગર બેઠકના ઉમેદવાર પુનમબેન માડમે સોગંદનામામાં પોતાનું ઈન્કમટેક્સ રીટર્ન રૂપિયા 80.13 લાખ, પતિનું રીટર્ન રૂપિયા 4.38 કરોડનું ભર્યાનું દર્શાવ્યું છે. પોતાની હાથ પરની રોકડ રૂપિયા 3.52 લાખ, પતિ પાસે રૂપિયા 1.60 લાખ, શેરો, સરકારી યોજનાઓમાં મળીને કુલ 12.85 કરોડનું રોકાણ, રૂપિયા 34.45 લાખની ટોયોટા ફોરચુનર રૂપિયા 45.39 લાખની ટોયોટા લેન્ડયુઝર કાર, રૂપિયા 3.72 કરોડનું 5554.37 ગ્રામ સોનું, 51.92 લાખના હીરા, 19.82 લાખની ચાંદી. રૂપિયા 1.08 લાખની બરેટા પીસ્તોલ તેમજ પતિ પાસે ડબલ બેરલ બે અને એક સીંગલ બેરલ રાયફલ મળીને પોતાની જંગમ મિલ્કતો રૂપિયા 22.16 કરોડની અને પતિની જંગમ મિલ્કતો રૂપિયા 35.77 કરોડની તથા હિન્દુ સંયુક્ત પરિવારની મિલ્કતો રૂપિયા 2.66 કરોડની દર્શાવી છે.
આર્થિક રીતે સૌથી શક્તિશાળી એક માત્ર મહિલા ઉમેદવાર ગણી શકાય
તેઓએ જામનગર ખાતેના બે મકાન, ઓફીસ, ખેતીની વિવિધ જમીનો સહિતની પોતાની 47.09 કરોડની સ્વપાર્જિત મિલ્કતો દર્શાવી છે. જેની બજાર કિંમત 64.38 કરોડ ગણાય. તેઓએ પતિ પાસેથી રૂપિયા 18 કરોડની લોન તેમજ મિલ્કતોના વેચાણ સામે એડવાન્સ ચુકવણા રૂપે કંપનીને રૂપિયા 35 કરોડ આપ્યાની વિગતો દર્શાવી છે. આમ જામનગર લોકસભા બેઠકના એક માત્ર મહિલા ઉમેદવાર આર્થિક રીતે સૌથી શક્તિશાળી ઉમેદવાર ગણી શકાય. તેઓ વડોદરાની એમ. એસ. યુનિ.ના બીકોમ ગ્રેજ્યુએટ છે. તેમજ તેઓ સામે એક પણ પ્રકારના કેસ કે, કોઈ પણ ટેક્સ કે સરકારી કરજો તેઓના નામે બાકી બોલતો નથી.