Lok Sabha 2024: ભાજપે જામનગર બેઠક પરથી પૂનમ માડમને ત્રીજી વખત રિપીટ કર્યા, કાર્યકરોમાં ખુશીની લહેર
Lok Sabha 2024: ભાજપે લોકસભાની ચૂંટણી માટે જામનગરની બેઠક પરથી વર્તમાન સાંસદ પૂનમ માડમના નામની ફરી જાહેરાત કરતા ભાજપના કાર્યકરો અને પૂનમ માડપના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. પૂનમ માડમના નિવાસ્થાને કાર્યકરોનો જમાવડો એકઠો થયો હતો અને એકબીજાને મીઠાઈ ખવડાવી હતી.
ભાજપે આજે ગુજરાત લોકસભાની 26 બેઠકોમાંથી 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેની સાથે સાથે 12 જામનગર લોકસભા વિસ્તારની બેઠક માટેના ભાજપના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ પૂનમ માડમને રિપીટ કરીને તેઓના નામની આજે જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ પૂનમ માડમે જણાવ્યું હતું કે,ભાજપના શીર્ષ નેતૃત્વએ સતત ત્રીજી વખત મારા પર વિશ્વાસ મુક્યો છે અને મને ટિકિટ આપી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના મિશનમાં પોતે પણ કદમ તાલ મિલાવીને વિકાસની ગાથામાં જામનગર જિલ્લાનો પણ સર્વાંગી વિકાસ થાય, તે દિશામાં કાર્ય કરવા માટેનો કોલ આપ્યો હતો. જામનગર શહેર અને જિલ્લાના ભાજપના સર્વે હોદ્દેદારો તેમજ શહેરની જનતા વગેરેએ પણ મારા પ્રતિનિધિત્વને સમર્થન આપ્યું છે, ત્યારે આ તકે સર્વેનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
પૂનમ માડમના રાજકીય પ્રવાસ પર એકનજર
પૂનમ માડમ હાલ જામનગરથી ભાજપના સાંસદ છે. તેઓ છેલ્લી બે ટર્મથી અહીંથી સાંસદ તરીકે ચૂંટાતા આવે છે. જામનગર જિલ્લાના રાજકારણમાં વર્ષોથી માડમ પરિવારનું વર્ચસ્વ છે. વર્ષ 2012 વિધાનસભા ચૂંટણી પહેલા જ પૂનમ માડમ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ તેમને જામખંભાળીયા બેઠક પરથી ભાજપે ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં પૂનમબેને કોંગ્રેસના ઉમેદવાર સામે 38 હજાર કરતા વધુ મતે જીત મેળવી હતી. ત્યારબાદ ભાજપે 2014 લોકસભા ચૂંટણીમાં પૂનમ માડમને જામનગર બેઠક પરથી ટિકિટ આપી હતી. અહીં તેમની સીધી ટક્કર તેમના કૌટુંબિક કાકા વિક્રમ માડમ સાથે થઈ હતી. જેમાં પૂનમ પોણા બે લાખ કરતા વધુ મતની લીડથી જીત મેળવી હતી. 2019માં પણ પૂનમ માડમનો જામનગર લોકસભા બેઠક પર વિજય થયો હતો.