Get The App

ભાજપમાં પક્ષના અને આયાતી નેતાઓ વચ્ચે પોલિટિકલ વૉર, જૂથવાદનું એપિસેન્ટર બન્યું અમરેલી

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
ભાજપમાં પક્ષના અને આયાતી નેતાઓ વચ્ચે પોલિટિકલ વૉર, જૂથવાદનું એપિસેન્ટર બન્યું અમરેલી 1 - image


Lok Sabha ticket, IFFCO Elections, Letter Scandal: લોકસભાની ચૂંટણી સમયથી સૌરાષ્ટ્રમાં જાણે ભાજપના નેતાઓ સામે સામે રાજકીય તલવાર તાણી છે. લોકસભાની ટીકીટનો મુદ્દો હોય કે પછી ઇફ્ફકોની ચૂંટણી હોય.આ બધાય મુદ્દા બાદ હવે અમરેલી લેટરકાંડ ગુંજ્યો છે. ટૂંકમાં, ભાજપના જૂથો આમને સામને આવ્યાં છે. ભાજપ માટે રાજકીય લેબોરેટરી સમાન ગુજરાતમા હવે વિપક્ષનું તો લગભગ નામું નંખાઇ ચૂક્યુ છે ત્યારે ખુદ ભાજપના નેતાઓ જ વિપક્ષની અદાકારી ભજવી રહ્યાં છે. ભાજપમાં જે રીતે અસંતોષની આગ ભભૂકી છે તેનું પોલિટિકલ એપિસેન્ટર અમરેલી બની ગયું છે. 

એક પછી એક મુદ્દો સળગતો રહ્યો છે જેના લીધે ભાજપની રાજકીય પ્રતિષ્ઠા ઘૂળધાણી થઇ છે.  આડેધડ નિવેદનબાજીએ શિસ્તબદ્ધ પક્ષની ફજેતી કરી છે. સ્થિતી એવી સર્જાઇ છેકે, અંદરોઅંદરની ટાંટિયાખેંચને લીધે ભાજપના નેતાઓ જ ભાજપ પક્ષ અને સરકારને બદનામ કરી રહ્યાં છે. અસંતોષની આગ વધુ ભભૂકે તેવા ડરથી સી.આર.પાટીલની દિલ્હી વિદાય બાદ ગુજરાતમાં બળવાના ડરથી પ્રદેશ નેતાઓ મૌનીબાબા બની બેઠા છે. 

ભાજપ-આયાતી નેતાઓ વચ્ચે ‘પોલિટિકલ વોર’ જામી

હાલ મૂળ ભાજપના નેતાઓ અને આયાતી નેતાઓ વચ્ચે પોલીટિકલ વોર જામ્યો છે. દિલીપ સંઘાણીની સામે આયાતી ધારાસભ્ય અરવિંદ લાડાણીએ મોરચો માંડ્યો છે. આ અગાઉ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ ભાજપ સામે બાંયો ચડાવી હતી. તેમનો રોષ હવે ઠર્યો છે ત્યાં આ રાજકીય બબાલ જામી છે.

પક્ષપલટુઓએ જ કમળની પ્રતિષ્ઠા ખરડી

લોકસભાની ચૂંટણી વખતે કમલમાં ભરતી મેળો યોજવામાં આવ્યો હતો તે હવે ભાજપને જ ભારે પડી રહ્યો છે. આયાતી ધારાસભ્ય-નેતાઓ જ ભાજપની શિસ્તના લીરેલીરા ઉડાડી રહ્યાં છે. મૂળ કોંગ્રેસની વિચારધારા ધરાવતાં ધારાસભ્યોને ભાજપના નેતાઓ સાથે મનમેળ જ નથી. આ અગાઉ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ પણ ગીર સેન્સિટીવ ઝોન મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી હતી. હવે આયાતી ધારાસભ્ય અરવિંદ લાડાણીએ મગફળીકાંડનો પર્દાફાશ કરી ભાજપના નેતા દિલીપ સંઘાણીને સાણસામાં લીધા છે. ટૂંકમાં, પક્ષપલટુઓ જ કમળની પ્રતિષ્ઠા ખરડી રહ્યાં હોય તેવુ લાગી રહ્યુ છે. 

આ રાજકીય ઘટનામાં ભાજપનો જૂથવાદે દેખા દીધી

- સૌરાષ્ટ્રમાં અમરેલી, જામનગર, રાજકોટ સહિતની બેઠકોમાં ટીકીટ મુદ્દે ભાજપના નેતાઓ સામસામે આવ્યા હતાં. એક પછી એક પત્રએ ભાજપના આંતરિક વિખવાદને વકરાવ્યો હતો. એક તબક્કે રૂપાલાને ટીકીટ ન મળે તે માટે ભાજપના જ અસંતુષ્ટોએ ક્ષત્રિયોને પડદા પાછળ રહીને સાથ સહકાર આપ્યો હતો.

- ઇફ્ફકોની ચૂંટણીમાં પણ ભાજપની આંતરિક જૂથવાદ જોવા મળ્યો હતો કેમકે, સી.આર.પાટીલે તો બિપીન ગોતાને મેન્ડેટ આપ્યો હતો તેમ છતાંય ભાજપના દિગ્ગજ નેતા જયેશ રાદડિયાએ બંડ પોકારીને ચૂંટણી લડી હતી. એટલુ જ નહી. ચૂંટણી જીતી દેખાડી હતી. પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવા છતાંય પાટીદારોની નારાજગી વ્હોરવી પડશે તેવા ડરથી પ્રદેશ નેતાગીરી રાદડિયાનો વાળ વાંકો કરી શકી નહી.

- અમરેલી લેટરકાંડમાં પણ ભાજપના જ અસંતુષ્ટો મેદાને પડ્યાં છે. વિધાનસભા નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે રાજકીય હિસાબ કિતાબ કરવા ભાજપના દિગ્ગજો સક્રિય થયા છે. એક પૂર્વ સાંસદ ખૂલ્લેઆમ વેકરિયાનું રાજકારણ પુરુ કરવા મેદાને પડ્યાં છે. 

- ગુજકોમાસોલ દ્વારા થતી મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે તેવો મુદ્દો ઉછાળી ભાજપના જ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ શાંત જળમાં પથરો ફેંક્યો છે. લાડાણીએ મસમોટા આરોપો ઘડી દિલીપ સંઘાણી સાથે બાથ ભીડી છે.હેવ આ મુદ્દો વિપક્ષો માટે પણ સરકારને ભીડવવા માટેનું રાજકીય ભાણું બની રહેશે. આ રાજકીય વિવાદના મૂળમાં જ ભાજપનું જૂથવાદ રહ્યું છે.  



Google NewsGoogle News