પોલિયો રવિવાર : 5 વર્ષ સુધીના 3.05 લાખ બાળકોનું થશે રસીકરણ
- ૮મીએ બૂથ તથા રસીકરણ કેન્દ્રો, હોસ્પિટલ ખાતે રસીકરણ, બાદમાં બે દિવસ ડોર ટૂ ડોર કામગીરી
- શહેરમાં શૂન્યથી 5 વર્ષ સુધીના 1.28 લાખ જયારે જિલ્લા કક્ષાએ 1.76 લાખ બાળકો નોંધાયા : સવારે 8 કલાકથી શરૂ થશે કામગીરી
ભાવનગર શહેર અને જિલ્લામાં ચાલુ વર્ષે આગામી તા.૮ને રવિવારના રોજ પોલિયો અભિયાન દ્વારા શૂન્યથી 5 વર્ષનાં બાળકોને પોલિયોની રસીનાં બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરાશે. જેમાં ભાવનગર શહેર કક્ષાએ આગામી તા.૮ને રવિવારના રોજ પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત શહેરના ૧૩ વોર્ડમાં આવેલાં ૪૬૩ બૂથ પર શૂન્યથી પાંચ વર્ષ સુધીના અંદાજિત ૧,૨૮,૩૩૫ બાળકોનું પોલિયો રસીકરણ કરવામાં આવશે. આ દિવસે બૂથના ૧૭૫૦ સભ્યો, ૧૨૯ સુપરવાઈઝર તથા ૫૧ મોબાઈલ ટીમના ૧૦૨ સભ્યો કામગીરી બજાવશે. જયારે, બીજા દિવસે એટલે કે તા.૯ અને તા.૧૦ના રોજ ડોર ટૂ ડોર કામગીરી કરવામાં આવશે. શહેર કત્રાએ તા.૮ના રોજ આંગણવાડી કેન્દ્રો, હેલ્થ સેન્ટર, ઉપરાંત જિલ્લાની સૌથી મોટી સર ટી. હોસ્પિટલની સાથોસાથ આનંદવાટિકા, રેડક્રોસ, અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર, પીએનઆર સોસાયટી, બજરંગદાસ બાપા હોસ્પિટલ, રામમંત્ર, શાંતિલાલ શાહ હોસ્પિટલ, વેર્સ્ટન રેલવે, સિટી બસ સ્ટેન્ડ, બાળરોગ નિષ્ણાંતના દવાખાના, આઈસીડીએસ કચેરી તથા રસીકરણ કેન્દ્રો ખાતે રસીકરણ કામગીરી કરવામાં આવશે.
તો, શહેરની સાથોસાથ આ જ દિવસે પણ જિલ્લા કક્ષાએ નોંધાયેલાં રસીકરણ કેન્દ્રો સહિતના સ્થળે સવારના ૮ કલાકથી સાંજના પાંચ કલાક સુધી ઝીરોથી ૫ાંચ વર્ષનાં ૧,૭૬,૭૪૦ બાળકોને રસી અપાશે. જિલ્લામાં કુલ ૧૧૧૦ બૂથ પર ૨,૦૮૬ ટીમ દ્વારા પ્રથમ દિવસે પોલિયો બૂથ ઉપર અને બીજા અને ત્રીજા દિવસે એટલે કે તા.૯ અને તા.૧૦ના રોજ ઘર- ઘર મુલાકાત દ્વારા પોલીયોની રસી પીવાડવામાં આવશે. જિલ્લામાં ૪૨ ટ્રાન્ઝીટ-મેળા પોઈન્ટ રાખવામાં આવેલ છે. જેમાં બસ સ્ટેન્ડ અને ખાસ અવર જવર રહેતી હોય તેવા વિસ્તારમાં ટ્રાન્ઝીટ પોઈન્ટ દ્વારા પોલિયો રસીકરણની કામગીરી કરાશે.સાથે સાથે ૭૨ જેટલી મોબાઇલ ટીમ દ્વારા પણ પોલિયો પીવાડવામાં આવશે.સમગ્ર કામગીરી પર દેખરેખ રાખવા માટે ૨૪૮ સુપરવાઈઝર નિયુક્ત કરાયા છે. તેમજ દરેક તાલુકામાં લાઇઝન ઓફિસર કોઈ બાળક પોલિયો રસીથી વંચિત ન રહે તે પ્રકારની કામગીરી કરશે. તો, આ સમગ્ર પોલિયો રાઉન્ડમાં અંદાજિત ૧૧૧૫૯ વેક્સિન વાયલ વપરાશમાં લેવાશે. જિલ્લા કક્ષાએ પોલિયો નાબૂદી અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીના વડપણમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત તમામને છેવાડાંના વિસ્તાર સુધી પહોંચી ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા તાકિદ કરી હતી.