સાયબર ક્રાઈમનાં ઓઠાં હેઠળ કરોડો કમાવાનો પોલીસનો નવો કિમીયો
દારૂ-જુગારના હપ્તા લઈ બદનામ થવા કરતાં સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડનાં નામે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી તોડ કરવામાં આવતો હોવાનું અનુમાન
જૂનાગઢ, : ઈન્ટરનેટના જમાનામાં ઓનલાઈન સટ્ટો તથા ગેમનો કરોડોનો ધંધો ધમધમે છે. આ બાબતનો લાભ લઈ પોલીસે પણ પોતાના નવા કિમીયા અજમાવવાનું શરૂ કર્યું છે. દારૂ-જુગારના હપ્તા લઈ બદનામ થવા કરતા સાયબર ક્રાઈમના ઓઠા હેઠળ બેંક એકાઉન્ટ ફ્રિઝ કરી તેને અનફ્રિઝ કરવા મોટી રકમનો તોડ કરવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં આવું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું ખુદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અનુમાન કરી રહ્યા છે.
સામાન્ય મારમારી કે દારૂ-જુગારના ગુનામાં પોલીસ દ્વારા તોડ થતો હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. પરંતુ હવે જમાનો બદલાયો તેમ પોલીસે પોતાના હથકંડા પણ બદલાવ્યા છે. વર્તમાન સમયમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો તેમજ ગેમ્સનું ચલણ વધ્યું છે. તેમાં કરોડો રૂપીયાના વ્યવહારો થાય છે. પોલીસ દ્વારા આવા વ્યવહારો પર સાયબર ક્રાઈમના ઓઠા હેઠળ નજર રાખવામાં આવે છે. બેંક એકાઉન્ટની વિગતો મેળવી તેને ફ્રિઝ કરવામાં આવે છે. ખાતેદારો બેનામી વ્યવહારો અને ખોટો ધંધો કરતા હોવાથી પોલીસથી ડરે છે. પોલીસ પણ ઈડી અને સીબીઆઈની ધમકીઓ આપી ડરાવે છે. અનફ્રિઝ કરવા માટે મોટી રકમના તોડ કરવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં આવી રીતે તોડ કરવામાં આવતો હોવાનું પોલીસના ઉચ્ચ અધિકારીઓનું અનુમાન છે. આમ, દારૂ-જુગારના હપ્તા લઈ બદનામ થવા કરતા પોલીસે કરોડો કમાવવા માટે આ નવો કિમીયો શરૂ કર્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
રાજકોટનાં 20 ખાતામાં 1,000 કરોડનું કૌભાંડ સામે આવ્યું
થોડા સમય પહેલા રાજકોટનાં આવા 20 ખાતાઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં 1,000 કરોડનું કૌભાંડ સામે આવ્યું હતું. જ્યારે જૂનાગઢ એસઓજીએ આવા 335 એકાઉન્ટ ફ્રિઝ કર્યા છે. આથી આ કૌભાંડ હજારો કરોડોનું હોવાની આશંકા છે. ત્યારે આ બાબતે એટીએસ દ્વારા તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું.